દાહોદ: જિલ્લાના કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રની કામગીરી આ લોકડાઉનમાં વિશેષ રહી છે. અહીં સૌથી વધુ પ્રસુતિ અને સી સેક્શન પ્રસુતિ કરાવવામાં આવી છે. સી સેક્શન ડિલિવરી એટલે કે, નોર્મલ ડિલિવરી થવામાં કોઇ મેડિકલ કોમ્પ્લિકેશન ઉભા થાય તે. જેમ કે, ગર્ભમાં બાળક ઉંધું હોવું, અંદર બાળક પાણી પીતું હોય, બાળકના પ્રથમ માથાને બદલે હાથ આવતા હોય, ગર્ભદ્વાર નાનું હોવા સહિતના પ્રશ્નો હોય છે. આવા સંજોગોમાં માતા અને બાળક બન્ને ઉપર જોખમ ઉભા થાય છે. પણ, કતવારા સામુહિક આરોગ્ય આવા સંજોગોમાં સફળ પ્રસુતિ કરાવી છે.
દાહોદમાં કતવારા CHCમાં લોકડાઉનના 2 માસમાં 42 સિઝેરિયન ડિલિવરી - Katvara
લોકડાઉનના સમયગાળા દરમિયાન દાહોદ જિલ્લાના કતવારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 42 મહિલાઓને મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતી પ્રસુતિ સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. જિલ્લામાં કોઇ એક આરોગ્ય કેન્દ્રમાં આટલા પ્રમાણમાં સિઝેરિયન પ્રસુતિ થઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
માર્ચ માસ દરમિયાન કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 294 સામે 11 સી સેક્શન ડિલિવરી હતી. તે એપ્રિલ માસમાં 253 નોર્મલ અને 22 સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. એપ્રિલ માસમાં 169 નોર્મલ અને 20 સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. જૂન માસમાં અત્યાર સુધીમાં 63 નોર્મલ અને 9 સિઝેરિયન ડિલિવરી કરાવવામાં આવી છે. સામાન્ય રીતે કોઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આટલા પ્રમાણમાં ડિલિવરીની કામગીરી થતી નથી. સી સેક્શન ડિલિવરી સફળતાપૂર્વક કરાવી તબીબોએ માતા અને બાળકનો જીવ બચાવ્યો છે.
ઉપરોક્ત બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. ડી. પહાડિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાનગી દવાખાનાઓ બંધ હોવાના કારણે સગર્ભા મહિલાઓની આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી હતી. લોકડાઉનના એપ્રિલ અને મે માસની કામગીરી જોઇએ તો એપ્રિલ માસ દરમિયાન 550 અને મે માસમાં 850 સગર્ભા મહિલાઓને આયર્નના ઇન્જેક્શન આપવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.