દાહોદ: જિલ્લાની પોલીટેકનિક કૉલેજના યજમાન પદે યોજાયેલા મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહેલી 50 કંપનીઓએ 2,046 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર કરી છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવના અનુસંધાને આ જોબ ફેર યોજવામાં આવ્યો હતો.
દાહોદ પોલીટેકનિકલ કૉલેજમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં ઉપસ્થિતમાં રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકારે કૉલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને તેમની પદવી મળે, તે અગાઉ નોકરીની તક મળે એ પ્રકારનું આયોજન કર્યું છે. જે માત્ર ગુજરાતમાં જ થઈ શકે. સારી-સારી કંપનીઓ સામેથી ચાલીને આવે છે અને વિદ્યાર્થીઓને સારા પગારની નોકરીની ઓફર કરે છે.
દાહોદમાં મેગા જોબ ફેરમાં 50 કંપનીની 2,046 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર જોબ ફેરથી વિદ્યાર્થીઓને સારી તક મળી રહે છે. સમગ્ર રાજ્યમાં કેસીજીમા માધ્યમથી 90 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નોકરીની ઇચ્છા દર્શાવી છે. જેની સામે અનેક કંપનીઓ દ્વારા 70 હજાર જેટલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નોકરીઓ આપવામાં પ્રથમ સ્થાને છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દાહોદનો યુવાન મહેનતકશ છે. કોઇ પણ પ્રકારનું કામ કરવામાં પાછી પાની કરે એવો નથી. માત્ર તેમને એક તકની જરૂર હોય છે. જો તેને તક મળે તો તે પોતાની કારકિર્દી સારી રીતે ઘડી શકે એમ છે. આવી તક રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે. નોકરી વાચ્છુક યુવાનોને શીખ આપતાં ખાબડે કહ્યું કે, નોકરીના શરૂઆતના તબક્કમાં તમામ લોકોએ સંઘર્ષ કરવો પડે છે અને પોતાનું વતન પણ છોડવું પડશે. આ બાબતોથી ગભરાવાની જરૂર નથી. જે પણ નોકરી કરો તે ખંતથી કરવી જોઇએ. તેમણે અંતે ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, સમગ્ર દેશની 900 યુનિવર્સિટીની 50 હજાર જેટલી કૉલેજમાં 4.32 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ બાબતે કેટલાક સર્વે એવું દર્શાવે છે કે, તેમાંથી માત્ર 24થી 35 ટકા જ વિદ્યાર્થીઓ એમ્પ્લોયેબલ હોય છે. બાકીના વિદ્યાર્થીઓ કંપનીની જરૂરિયાત મુજબની કુશળતા ધરાવતા નથી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એ વાતને લક્ષ્ય આપ્યું છે કે, યુનિવર્સિટી માત્ર સ્નાતક યુવાનો આપવાનું જ કામ નથી કરતી, કૌશલ્યવાન યુવાનો નિર્માણ કરવાનું કામ પણ કરે છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી યુવાનોને ઘર આંગણે જ ઈન્ટરવ્યુની તક આપી નોકરી શોધી આપવાનું કામ થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાંથી કેસીજીમાં નોંધાયેલા 90 હજાર યુવાનોએ નોકરી આપવા 4,500 જેટલી કંપનીઓ તત્પર છે. જો વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ સારી આપી શકે તો, તેને સરળતાથી નોકરી મળી રહે એમ છે. તેમણે નોકરીદાતા કંપનીઓને અપીલ કરી કે, કોઇ યુવાન સારી રીતે પોતાની જાતને ઈન્ટરવ્યુમાં વર્ણવી ન શકે તો એનો મતલબ એવો નથી કે, તે લાયક ઉમેદવાર નથી. તે પણ કુશળ છે, માત્ર તે સારી રીતે સમજાવી શકતો નથી.