રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, દાહોદ, ધાનપુર તાલુકાના અંતરીયાળ બોઘડવા ગામની દીકરી પુષ્પા પટેલ જે હજુ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે. તે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતમાં આખા ગુજરાતમાં પ્રથમ નંબર લાવે એ કોઇ નાની ઘટના નથી. ગર્વ અને હરખની લાગણી સાથે ઉચ્ચારાયેલા આ શબ્દો છે. રાજ્યમાં યોજાયેલા ખેલ મહાકુંભ 2019 અન્વયે દાહોદ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ દેવગઢ બારીયા તાલુકાના જયદિપસિંહજી જિલ્લા રમત સંકુલ ખાતે યોજાયો હતો.
ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો દેવગઢ બારીયાના જયદીપસિંહ જિલ્લા રમત ગમત સંકુલ મુકામે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લાના ખેલાડીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના ખેલાડીઓ ધણા પ્રતિભાશાળી છે. આ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દાહોદનું નામ રોશન કરશે.
બચુભાઇ ખાબડે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010થી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. એમની એ દીર્ઘદ્રષ્ટીને પરીણામે અત્યારે ગામે ગામ ખેલાડીઓ મળી રહ્યા છે અને દેશ અને દુનિયામાં મેડલ મેળવી રહ્યા છે. આ વર્ષે દાહોદ જિલ્લાના 92175 ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. આ સૌ ખેલાડીઓને બિરદાવું છું અને ઉચ્ચ શિક્ષણ, સારી કારકિર્દી સાથે રમતમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેળવો તેવી મારી શુભેચ્છા છે. બચુભાઇ ખાબડે રાજ્ય સરકાર પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરી છે તેની વાત પણ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેલ મહાકુંભમાં ફેર પ્લે એવોર્ડ, શક્તિદૂત યોજના, જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના જેવી અનેક યોજનાઓથી રાજ્ય સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહી છે. પરીણામે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે મુરલી ગાવિત અને કું. સરિતા ગાયકવાડનું ઉદાહરણ આપી તેમનામાંથી પ્રેરણા લેવા જણાવ્યુ હતું.
દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સૌથી વધારે પ્રતિભાશાળી ખેલાડીઓ આવતા હોવાનું જણાવી સૌ ખેલાડીઓને બિરદાવ્યા હતા. દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ 2019 અન્વયે વિવિધ રમતોના 3005 ખેલાડીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને રોકડ ઇનામ રૂ. 42 લાખ પણ સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
કાર્યક્રમમાં કુલ 31 ખેલાડીઓનું બચુભાઇ ખાબડના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. એથ્લેટીકસ, આર્ચરી, જુડો, કુસ્તી, સ્વીમિંગ, ચેસ, ચક્રફેક જેવી વિવિધ રમતોમાં મેડલ મેળવનાર ૩૧ જેટલા ખેલાડીઓ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.