મધ્યપ્રદેશના સરહદી માર્ગોથી દાહોદમાં ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી કરનારા અસામાજિક તત્વોનું જોર વધવા પામ્યું છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસ અને ગૌરક્ષકોની ટીમ દ્વારા સતત વોચ રાખીને ગૌવંશને બચાવવામાં પણ આવી રહ્યા છે. તેમ છતાં જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ હવે રદ થતાં આવા તત્વોને હવે મોકળું મેદાન મળ્યું હોવાનું ફલિત થઇ રહ્યું છે.
દાહોદમાં ગેરકાયદેસર કતલ માટે પશુધન ભરેલો ટેમ્પો બેરિયર તોડી ફરાર
દાહોદ: દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોના માર્ગેથી ગોધરા ગેરકાયદેસર કતલ માટે પશુધન ભરીને જતા ટેમ્પાનો ગૌરક્ષકોએ પીછો કરતા ટેમ્પોચાલક ભથવાડા મુકામે નેશનલ હાઈવે પર આવેલ ટોલ ટેક્સના બેરિયરને તોડી ફરાર થઈ ગયો હતો. તેમજ પીછો કરી રહેલા ગૌરક્ષકોની ગાડી પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને કતલ માટે પશુઓને લઈ જવામાં સફળ રહ્યા હતા.
નેશનલ હાઈવે 56 પર એક ટેમ્પોમાં ગૌવંશ ભરી ગોધરાના કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો. ટેમ્પા ચાલકને ગૌરક્ષકો પીછો કરતા હોવાની જાણ થતા તેણે પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારી મૂક્યો હતો. તેમજ લીમખેડા નજીક પોલીસે ટ્રાફિક કર્યો હોવાની પણ તેમને માહિતી મળતા રોંગ સાઈડ પર ગૌવંશ ભરેલો ટેમ્પો દોડાવીને ભાગી છૂટયો હતો. તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાની સરહદ પહેલા ભથવાડા મુકામે આવેલા ટોલ ટેક્સ પર હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલા ટોલટેક્સ બેરિયરને તોડીને ફરાર થઈ ગયો હતો.
પશુઓ ભરેલા ટેમ્પોનો પીછો કરી રહેલા ગૌરક્ષકો પંચમહાલના ઓરવાડ સુધી પહોંચતા અસામાજિક તત્વોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો અને કતલ માટે પશુઓને લઈ જવામાં સફળ રહ્યા હતા. બેરિયર તોડીને ભાગેલા ટેમ્પોચાલક સામે ભથવાડા ટોલ ટેક્સના જવાબદાર કર્મચારીઓ દ્વારા ફરિયાદ કરાશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે.