દાહોદ જિલ્લાના રામપુરા રેન્જમાં આવતી રાબડાલની વીડીમાં ૪.૪૦ હેકટર જમીનમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આરોગ્ય વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વન વિભાગ દ્વારા કુલ ૬૧ પ્રકારના ૩૧૧૧ ઔષધીય અને સુશોભનના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, ઔષધીય રોપા આગળ તેના ગુણો, ક્યાં રોગમાં તે ઉપયોગી છે ? તેનું વર્ણન કરતા સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાશિવનનું પણ નિર્માણ ત્યાં કરવામાં આવ્યું છે.
આરોગ્ય વનમાં ૧૩૨૭ ચોરસ મિટરનો પાથ વે, ૧૮૮૧ ચોરસ મિટરનો મેન ગેટ, એન્ટ્રી ગેટ અને વન કુટિર, બેસવાના આરામપ્રદ બાંકડા મૂકવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા હજુ પણ ત્યાં વિવિધ પ્રકારના કામો હાથ ધરવામાં આવનાર છે. જેમાં ચેકડેમ, પાણી માટે કૂવો અને બોર, આયુર્વેદિક સ્ટોર અને ફૂડ કોર્ટ, વન કુટિર સિટિંગ એરિયા, નાના બાળકો માટે પ્લે એરિયા, પીવાના પાણીની સુવિધા અને લાઇટ એરેન્જમેન્ટ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.