દાહોદ લોકસભા સહિત દેશની 303 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્વલંત વિજય મેળવી કેન્દ્રમાં સરકારની રચના કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા વંદન સમારોહ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલી આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડ પર દાહોદ લોકસભા ભાજપા પરિવાર દ્વારા કાર્યકર્તા વંદન સમારોહ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
લીમખેડા આર્ટસ કોલેજમાં ભાજપનો "કાર્યકર્તા વંદન” સમારોહ યોજાયો - ETv BHARAT
દાહોદઃ ભાજપા દાહોદ જિલ્લા પરિવાર દ્વારા લીમખેડા ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષતા હેઠળ કાર્યકર્તાઓ કેસરિયો ખેસ ધારણ કરીને વિશાળ બાઈક રેલી યોજી હતી. આ રેલી આર્ટસ કોલેજના ગ્રાઉન્ડ પર પહોંચી સભામાં ફેરવાઇ હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનું સૂચન જીતુભાઈ વાઘાણીએ કાર્યકર્તાઓને કર્યું હતું.
આ તકે પધારેલા જીતુભાઈ વાઘાણીનુ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલી દ્વારા સ્વાગત કરી સભા સ્થળે લાવવામાં આવ્યા હતા. ત્યા પણ કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી પરંપરા પ્રમાણે કોટી, પાઘડી પહેરાવી તેમજ તીર કમાન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મુકતા જીતુભાઇ વાઘાણીએ વિકાસની પરિભાષાની સમજ આપી હતી.
કાર્યકર્તા ટાઢ, તડકો અને વરસાદ વેઠીને પાર્ટીને મત અપાવે છે. ત્યારે અમને છાયડો મળે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવા સૂચન કાર્યકર્તાઓને કર્યું હતું. આ સાથે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને હાંકલ કરી હતી. તેમજ કોંગ્રેસને આડેહાથે લેવાનું બાકી રાખ્યું નહોતું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણ તડવી, પ્રદેશ મંત્રી અમીત ઠાકર, પ્રદેશ ઉપાધ્યક્ષ જશવંતસિંહ ભાભોર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.