દાહોદઃ ઉનાળાની ગરમી અને કોરોના વાઈરસની ચિંતામાં ત્રાહિમામ પોકારી ઉઠેલા દાહોદ જિલ્લાને નંદનવનમાં પરિવર્તિત કરનારી રૂ. 1054.76 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના પૂર્ણ થવાને આરે છે. છેક કડાણાના નાની ક્યારથી પારેવા સુધી એટલે કે દાહોદ જિલ્લાના છેલ્લા પોઇન્ટ સુધી 125 કિલોમીટર લાંબી લાઇન નાખવાનું કામ પૂર્ણ થઇ ગયું છે.
દાહોદ જિલ્લા માટે અતિજરૂરી એવા આ બહુઆયામી યોજનાની કેટલીક વિગતો જાણીએ કડાણા જળાશયથી સિંચાઇ માટે પાણી લાવવા માટે આ યોજના બનાવવામાં આવી છે. તે માટે મુખ્ય પાઇપ લાઇન ઉપર ચાર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. એક નાની ક્યાર, બીજુ ગોઠીબ, ત્રીજુ કુંડલા અને ચોથુ પારેવા ખાતે બન્યું છે. મુખ્ય પાઇપ લાઇનની લંબાઇ 82 કિ. મિ. અને ફિડર પાઇપ લાઇનની લંબાઇ 42.5 કિલોમીટર છે, એ મળીને 125 કીમી લંબાઇ છે. જ્યારે તળાવો માટે નાખવામાં આવેલા એચડીપી પાઇપની લંબાઇ 50 કીમી જેટલી છે.
કડાણા ડેમમાંથી આવતા પાણીથી દાહોદ જિલ્લાના માછણનાળા, પાટાડુંગરી, ઉમરિયા, અદલવાડા અને વાંકલેશ્વર જળાશય ભરવાના છે. આ ઉપરાંત આ યોજનાની ડાબી અને જમણી બાજુએ બે કિલોમીટર વિસ્તારના 54 ગામના તળાવો પણ ભરવાના છે. જ્યાં એચડીપી લાઇન નાખવામાં આવી છે. આ યોજનાના પરિણામે દાહોદ જિલ્લાના દસ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. કડાણા જળાશયથી 400 ક્યુસેક્સ પાણી રોજના 22 કલાક ચલાવીને 120 દિવસ સુધી લાવવામાં આવશે.
પારેવાથી પાટા ડુંગરી સુધી 150 ક્યુસેક્સ અને અદલવાડા સુધી 200 ક્યુસેક્સ પાણી જશે. આ ઉપરાંત, પાટા ડુંગરી જળાશયથી 50 એમએલડી પાણી ગરબાડા અને દાહોદ તાલુકાના ગામોને પીવાના હેતુંથી આપવામાં આવશે. જે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવી વિતરણ કરવામાં આવશે. ડોશી નદી, વાકડી નદી અને હડફ નદીમાં પણ આ પાણી પહોંચશે. જેના પરિણામે આસપાસની વાડીના કૂવા જીવંત થશે. જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.
હવે માત્ર વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેટકો દ્વારા આ માટે થઇ રહેલી કામગીરી જોઇએ તો નાની ક્યાર ખાતે બનાવવામાં આવેલા પ્રથમ પમ્પિંગ સ્ટેશનમાં 66 કિલોવોટની લાઇન વાલાખેડીના સબ સ્ટેશનથી આપવાની છે. જેમાં કુલ 67 વીજ ટાવર ઉભા કરી સાડા સોળ કિલોમીટર તાર નાખવાના રહે છે. જે પૈકી 61 ટાવરના ફાઉન્ડેશન નખાઇ ગયા છે અને 58 ટાવર ઉભા થઇ ગયા છે. જ્યારે માત્ર 3 કિલોમીટર લાઇન નાખવાની બાકી છે.
સંતરામપુરના ગોઠીબ ખાતે આવેલા બીજા નંબરના પમ્પિંગ સ્ટેશન માટે સરસવા પૂર્વથી વીજ જોડાણ આપવામાં આવ્યું છે. 14 ટાવર ઉભા કરી 3.2 કિલોમીટર લાઇન મારફત વીજ જોડાણ આપી દેવામાં આવ્યું છે. એટલ કે, અહીંનું કામ પૂર્ણ થઇ ગયું છે.
પારેવા ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનને ખરોડથી વીજળી આપવામાં આવનાર છે. આ માટે 43 પૈકી 37 ટાવરના ફાઉન્ડેશન નખાઇ ગયા છે. જ્યારે 29 ટાવર ઉભા થઇ ગયા છે. 10 કિલોમીટર લાઇન નાખવાની બાકી છે. હાલ પમ્પિંગ સ્ટેશનમાં ગાર્ડનિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. વીજ લાઇન નાખવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એવી રીતે આયોજન છે. વીજળી મળતાની સાથે જ પ્રથમ તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.