ગુજરાત

gujarat

ETV Bharat / state

હિમાલયમાં થતું સિલ્વર ઓક વૃક્ષ ગુજરાતમાં જોયું છે?

દાહોદ: હિમાલયમાં થતું સિલ્વર ઓક વૃક્ષ ગુજરાતમાં જોવું છે? આંધ્રપ્રદેશમાં થતું લક્ષ્મણફળ કે પછી લંકામાં માતા સીતા જે વૃક્ષ નીચે બેસતા હતા તે સીતા અશોક વૃક્ષ ગુજરાતમાં જોવું હોય તો દાહોદના સંજેલી તાલુકાના ગમનભાઇ વસૈયાની વાડીએ આવવું પડશે. મહારાષ્ટ્ર, હિમાલચ પ્રદેશ, કશ્મીર વગેરે રાજયોમાં જોવા મળતાં અનેક દુર્લભ વૃક્ષો ગમનભાઇએ પોતાની વાડીમાં ઉગાડયા છે.

By

Published : Jul 19, 2019, 9:05 AM IST

સ્પોટ ફોટો

દાહોદમાં કંઇક કરી બતાવવાની ધગશ અને એ માટે કરવા પડતા અથાક પ્રયાસોનો સમન્વય થાય છે, ત્યારે ચમત્કાર જેવી ધટના વાસ્તવમાં બને છે. આજે આવા જ એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરવાની છે, જેમની વાડીમાં ચમત્કાર હકીકતમાં જોવા મળે છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસીયા ગામના ગમનભાઇ વસૈયાએ ખેતીની શરૂઆત પરંપરાગત ખેતીથી કરી હતી. પરંતુ રાજય સરકાર દ્રારા ચાલતા અનેક કૃષિવિષયક તાલીમ અને પ્રવાસન કાર્યક્રમોના સંર્પકમાં આવતાં તેમણે તેમાં ભાગ લીધો અને આધુનિક પધ્ધતિની ખેતી અપનાવી છે.

હિમાલયમાં થતું સિલ્વર ઓક વૃક્ષ ગુજરાતમાં જોવું મળશે

રાજય સરકાર દ્રારા ખેડૂતોને તાલીમ મળે, નવું જાણવા મળે તે માટે આત્મા પ્રોજેકટ હેઠળ પ્રવાસન કાર્યક્રમ યોજાઇ છે. ગમનભાઇએ મહારાષ્ટ્રના જલગાંવમાં જઇ ખાસ ટપક સિંચાઇ પધ્ધતિની તાલીમ લીધી અને ખેતીમાં આધુનિક પધ્ધતિથી ખેતી અપનાવી મબલક ઉત્પાદન મેળવવા લાગ્યા. તેઓ વેલાવાળા શાકભાજી, ગલકા, કારેલા, રતાળું, આદું, હળદરથી લઇને મશરૂમ તથા મરી મસાલાની પણ ખેતી પોતાની વાડીમાં કરે છે. અનેક ઔષધિય રોપાઓ તેમણે તેમની વાડીમાં ઉગાડયા છે. તેમની શીખવાની એવી ધગશ છે, કે બાગાયતી ખેતી શીખવા માટે રાજય સરકારની ખેડૂત તાલીમ કાર્યક્રમ અંર્તગત તેઓ જયપુર જઇને તાલીમ લીધી છે.

હાલમાં 1000 સાગના વૃક્ષો, 500 ચંદનના વૃક્ષો, 300 આંબા ગમનભાઇએ પોતાની વાડીમાં ઉગાડયા છે. અનેક દુર્લભ કહેવાતા વૃક્ષો પણ તેમની વાડીમાં ખૂબ જતનથી ઉગાડયા છે. હિમાલયમાં થતા સિલ્વર ઓક અને આંધ પ્રદેશમાં થતું લક્ષ્મણફળ, સીતાઅશોક વૃક્ષ તેમની વાડીમાં જોવા મળે છે. ખાસ પ્રકારના વાતાવરણમાં થતા અમુક વૃક્ષોને અહીંની જમીનમાં ઉગાડવા માટે તેમણે ખાસ જહેમત અને પુષ્કળ મહેનત કરી છે.

તેમની વાડીમાં જેમને બાળકો ન થતા હોય તેમના માટેની ખાસ ઔષધિ સમાન પુત્રજીવા વૃક્ષ, હદય રોગમાં ઉપયોગી અર્જુન વૃક્ષ, સ્ત્રીઓ માટે અનેક રોગોમાં ઉપયોગી કાંચનાર વૃક્ષ, જહાજ બનાવવામાં જેનું લાકડુ વપરાય છે, તે મહોગની વૃક્ષ ઉપરાંત શતાવરી, જાબું, અશ્વગંધા, રક્તચંદન, ફણસ, તાડના વૃક્ષ, 200 જેટલા રોગોમાં ઔષધ તરીકે વપરાતું નોની વૃક્ષ જેવા અનેક ઉપયોગી વૃક્ષો, ફળાઉ વૃક્ષો, જંગલમાં થતા અનેક ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો જોવા મળે છે.

ગમનભાઇની વાડી જોવા અનેક ખેડૂતો આવે છે. પોતે કેટલાય ખેડૂતોને ખેતીની તાલીમ આપીને તૈયાર કર્યા છે. તેમની પાસેથી શીખેલા પાંચ જેટલા ખેડૂતોને તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો છે. તેમને પોતાને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ 2013-14ના કૃષિ મહોત્સવમાં મળ્યો છે. આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર એન.વી.રાઠવા તથા તેમના સહયોગીઓ પાસેથી ગમનભાઇ વૈજ્ઞાનિક ખેતી માટે માર્ગદર્શન મેળવે છે.

આ ઉપરાંત રાજય સરકારના અનેક ખેડૂત તાલીમ કાર્યક્રમો અને પ્રવાસ કાર્યક્રમોનો તેમણે લાભ લીધો છે. પોતાની સફળતામાં તેઓ સરકાર દ્રારા ચલાવવામાં આવતા ખેડૂતો માટેની અનેક યોજનાઓનો પણ મોટો ફાળો હોવાનું જણાવે છે. અનેક ખેડૂતો ગમનભાઇની અનમોલ વાડીની મુલાકાત લે છે પરંતુ સામન્ય જનતા પણ ગુજરાતમાં જોવા ન મળતા અનેક દુર્લભ વૃક્ષોને જોવા માટે આ સુંદર વાડીની મુલાકાત લે તો ખુશ થઇ જશે અને અગાઉ કદી ન જોયેલા વૃક્ષો વિશે માહિતગાર થશે. એક મહેનતકશ ખેડૂત અને રાજય સરકારના ખેડૂતોના વિકાસ માટેના પ્રયાસોનું સુંદર ઉદાહરણ સંજેલીના વાસીયા ગામમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details