દાહોદ: શનિવારથી રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયું હતું. જેના કારણે અનેક નદી-નાળામાં નવા નીર આવ્યા હતા. ત્યારે દાહોદના ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે રહેતા આશરે 44 વર્ષીય રમણભાઈ બે દિવસ અગાઉ સાંજે આશરે સાડા છ વાગ્યાના અરસામાં ઘરેથી મોટરસાયકલ લઈ આસપુર દુકાને કામ અર્થે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રૂપાખેડા આસપુર ગામ વચ્ચે આવેલ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પુલ પસાર કરવા જતા રમણભાઈની બાઇક પુલ ઉપર પડેલા ખાડામાં પડતા તેઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. હાલ તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
Dahod News: દુકાને કામ કરવા જતા મળ્યું મોત, રૂપાખેડા ગામના 44 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી મળ્યો
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામની નદીમાં બે દિવસ અગાઉ સાંજના સમયે તણાયેલા 44 વર્ષીય રમણભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સુખસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને તપાસ અર્થે સુખસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
Published : Sep 21, 2023, 9:21 AM IST
સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ: બાઇક પુલ ઉપર જ ફસાઈ ગઈ હતી. તેની જાણ સ્થાનિકો થતા સ્થળ પર દોડી આવીને સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી. જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ફતેપુરા મામલતદાર તેમજ રેસ્ક્યુ ટીમને, સ્થાનિક તરવૈયાઓને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. રાત્રિના બાર વાગ્યા સુધી પાણીમાં ગરકાવ થયેલા રમણભાઈ માલીવાડની શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ વહેલી સવારે પણ સુખસર પોલીસ, ફતેપુરા મામલતદાર સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પાણી ઓસર્યા બાદ મૃતક રમણભાઈ માલીવાડ પુલથી 100 મીટર જેટલા અંતરે પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો.
અકસ્માતે ગુનો નોંધ્યો:સુખસર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતકનો કબજો મૃતકના વારસદારોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકના સંબંધી સોમાભાઈ માલીવાડ જણાવ્યા અનુસાર "બે દિવસ અગાઉ આસપુર ગામમાંથી પસાર થતી નદીમાં પુર આવતા પુલ પરથી બાઈક પર પસાર થતી વેળાએ બાઈક ખાડામાં પડતા બાઇક પરનો કાબુ ગુમાવતા પાણીમાં તણાઈ ગયા હતા. બાદમાં પાણી ઓસર્યા બાદ હાલ મૃતક રમણભાઇ મૃતદેહ મળી આવ્યો હતો"