દાહોદઃ જિલ્લા વહીવટી તંત્ર સતત કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે મધ્યપ્રદેશથી આવેલા કુરેશી પરિવારના વધુ પાંચ સભ્યોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં કુલ ૧૧ વ્યક્તિઓ કોરોના સંક્રમણમાં આવ્યા છે, જેમાંથી ત્રણને ડિસ્ચાર્જ કરાયા છે અને આઠ લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
દાહોદ શહેરના જુના વણકરવાસ કસ્બા વિસ્તારમાં રહેતા અને મધ્યપ્રદેશના નીમચથી આવેલા સરફરાજ કુરેશી તેમજ તેના પરિવારના દાહોદ આવ્યો હતો. દાહોદ આરોગ્યતંત્ર દ્વારા સરફરાજ કુરેશી તેના પરિવારજનોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તમામના રિપોર્ટ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રથમ સરફરાજ કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેના નાના ભાઈ વસીમ કુરેશીનો પણ, આ બાદ સોમવારે પરિવારના પાંચ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઈઝની કામગીરી દાહોદ શહેરમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. હવે દાહોદમાં કોરોના પોઝિટિવનો આંકડો 11 થયો છે. જે પૈકી 3 સ્વસ્થ થઈ તેઓને પોતાના ઘરે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા જણાવવામાં આવ્યું છે. આમ, હવે 8 એક્ટિવ કેસ દાહોદની કોરોના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.