દાહોદ: ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં છેલ્લા કેટલાંય સમયથી માનવભક્ષી દીપડાઓના હુમલો વધ્યાં છે. ધાનપુર તાલુકાના શણગાસર ગામના રહેવાસી કાળાભાઈ માંદુભાઈ નિનામાની સાત વર્ષીય પુત્રી શિલ્પા સાંજે 7 વાગ્યાના અરસામાં લઘુશંકા કરવા ઘરની બહાર નીકળી હતી, ત્યારે પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા આદમખોર દીપડાએ શિલ્પાના ગળાના ભાગે બચકુ ભરી જંગલમાં ખેંચી લઇ ગયો હતો. તે સમયે બાળકીની ચીસોથી ભેગા થયેલા પરિવારજનો તેમજ આસપાસના લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદમાં વાંસીયા ડુંગરી રેન્જ નજીક માનવભક્ષી દીપડોનો આતંક, 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
ધાનપુર તાલુકાના શણગાસર ગામે લઘુશંકા કરવા ઘરની બહાર ગયેલી 7 વર્ષની બાળાને દીપડો જંગલમાં ખેંચી લઈ જઇને ફાડી ખાતા બાળકીનું મોત નીપજયું હતું. જ્યારે ઘટના સ્થળથી માત્ર 700 મીટર દૂર વનવિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં એક દીપડો પુરાઈ ગયો છે. જો કે, પંથકમાં દીપડાના વધી રહેલા હુમલાઓથી આસપાસના ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે.
જો કે, ભેગા થયેલા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરાતાં વાંસીયા ડુંગરી રેન્જના ફોરેસ્ટર પરમાર સહીતનો વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં વનવિભાગ દ્વારા બાળકીની શોધખોળ કરતા નજીકના ઉમરાવાળા ભાગમાં છાતીથી ઘૂંટણ સુધીનો ખવાયેલો શિલ્પાનો મૃતદેહ મળી આવતા ઘટનાસ્થળે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઇ ગઈ હતી. જ્યારે વનવિભાગે મૃતક બાળકીનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી દેવાઈ હતી અને આદમખોર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઇ હતી.
આ બનાવને પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. શણસાગર ખાતે દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો. તેનાથી માત્ર 700 મીટર દૂર ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિકોને આંશિક રાહત થઇ હતી, પરતું દીપડાના વધી રહેલા હુમલાઓથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે.