દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને સિંચાઈનો અભાવ હોવાના કારણે ધરતી પુત્રો ફક્ત વરસાદ આધારીત ખેતી પર જ પોતાનો જીવનનિર્વાહ કરવો પડી રહ્યો છે. તેમજ બાકીની સિઝનમાં અન્ય જિલ્લામાં માઇગ્રેશન કરી રોજીરોટી કમાવવા માટે જવું પડતું હોય છે. રોઝમ ગામે ધરતીપુત્રોએ મકાઇ, સોયાબીન સહિત ચોમાસુ વિવિધ પાકોનું વાવેતર કરેલુ છે. ચોમાસુ પાક તૈયાર થવાના સમય જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભો મોલ બગડવાની શરૂઆત થઈ છે.
આ ગામના ખેડૂતો પાકને બચાવવા ઉજાગરા કરી રખેવાળી કરે છે
દાહોદઃ વરસાદી ખેતી પર જીવન ગુજારતા દાહોદ જિલ્લાના ખેડૂતો પર લીલા દુષ્કાળના ઓછાયા વર્તાય છે, ત્યારે ધરતીપુત્રોને પડતા પર પાટુની જેમ રોઝમ ગામે રાત્રી દરમિયાન નીલગાયો અને જંગલી ભૂંડના ત્રાસથી ઉભો પાક બચાવવા માટે રાત્રે લોકોને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. ગ્રામજનો દિવસે મહેનત મજૂરી કરે છે અને રાત્રીના સમયે ઉભો મોલ બચાવવા માટે રાતપાળી કરી રહ્યા છે.
આ રોઝમ ગામમાં રાત્રી દરમિયાન નીલગાયો અને જંગલી ભુંડનો ત્રાસ વધ્યો છે. જેથી આ નીલગાય અને જંગલી ભૂંડો ખેતરોમાં તૈયાર થયેલો ચોમાસુ પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતો દિવસે મહેનત મજૂરી કરવા માટે જતા હોય છે. તો બીજી બાજુ રાત્રી દરમિયાન પોતાના ખેતરમાં તૈયાર થયેલ ચોમાસુ પાકને બચાવવા માટે બધા ભેગા થઈને બેટરીના અજવાળે રખેવાળી કરવા જવાની ફરજ પડી રહી છે. રોઝમ ગામની આસપાસ જંગલ વિસ્તાર આવેલો હોવાના કારણે દિપડા અને ઝરખ જેવા જંગલી પ્રાણીઓનો પણ ભય સતાવતો હોય છે.