- વિશ્વભરમાં ઓગષ્ટ મહિનાના પહેલાં સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.
- બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતાના સ્તનપાન થકી આપે છે.
- દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવાશે
- વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ 2020ની આ વખતની થીમ-સ્તનપાનનું સમર્થન કરીએ–તંન્દુરસ્ત વિશ્વના સર્જન માટે
દાહોદઃ બાળકો માટે સ્તનપાનના આ મહત્વના કારણે જ વૈશ્વિક સ્તરે વર્લ્ડ અલાયન્સ ફોર બ્રેસ્ટ્રફિડિંગ એકશન દ્વારા વર્ષ 1992થી લોકઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનીસેફ પણ જોડાઇ અને અત્યારે વિશ્વભરમાં ઓગષ્ટના પહેલાં સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં આવે છે અને તેમને બાળકોને સ્તનપાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર વર્ષે ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી વખતે એક થીમ પણ નક્કી કરવામાં આવે છે અને એ થીમ મુજબ દૂનિયાના 170થી પણ દેશોમાં આ ઉજવણી અને જાગૃકતા કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ 2020ની આ વખતની થીમ છે - ‘Support Breastfeeding for Healthier Planet’ એટલે કે સ્તનપાનનું સમર્થન કરીએ– તંન્દુરસ્ત વિશ્વના સર્જન માટે. બાળકોના સ્તનપાનની સીધી અસર પર્યાવરણ પર થાય છે. સ્તનપાન દ્વારા બાળક કુદરતી આહાર મેળવે છે, જે કોઇપણ પ્રકારના પ્રદૂષણ, પેકેજીંગ કે પ્રોસેસથી મુક્ત હોય છે. પરિણામે પૃથ્વી પરના હવા, પાણી, જમીન જેવા ઘટકો પર તેની સીધી અસર થાય છે અને પૃથ્વી વધુ સલામત બને છે.