દાહોદ : દાહોદ નગરપાલિકાની અઢી વર્ષની બીજી ટર્મના શાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી નગરપાલિકાના ઠક્કરબાપા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી એવમ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેટ રજૂ કરાયા હતા.
હાથ ઊંચો કરી મતદાન : ચૂંટાયેલ સભ્યોએ હાથ ઊંચો કરી મતદાન કરતા ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે નીરજ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધા ભડગની વરણી કરી હતી. ઉપપ્રમુખ પદે આવેલા શ્રદ્ધા ભડગ રાજકીય પૃષ્ઠભુમિ ધરાવે છે. શ્રદ્ધા ભડગના પિતા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. અહીયાં ભાજપની નો રીપીટ થીયરીનો અમલ કરાયો હતો.
પક્ષને વફાદાર રહી તમામ સભ્યોને સાથે રાખી નગરજનોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. નગરનો સર્વાંગી વિકાસ કરવા કટિબદ્ધ રહીશું...નીરજ દેસાઈ(નવનિયુકત પ્રમુખ,દાહોદ નગરપાલિકા )
શંકર અમલીયાર દ્વારા વ્હીપ : દાહોદ નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની પ્રમુખ, ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે મંગળવારે દાહોદ નગરપાલિકા ઠક્કરબાપા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી એન.બી રાજપૂતની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શંકર અમલીયાર દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હતો. પક્ષની અંદર રાજકીય વગ ધરાવતા તથા પ્રમુખ ઉપપ્રમુખ તથા વિવિધ હોદ્દા ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવાની રાહ જોતા કાઉન્સિલરોની આશા ઉપર ભાજપની નો રીપીટ થયરીએ પાણી ફેરવ્યું હતું.
નવા વરાયેલા હોદ્દેદારો : આજે નવા વરાયેલા હોદ્દેદારોમાં પ્રમુખ નીરજ નિકુંજ દેસાઈ (ગોપી) ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ચિરાગભાઈ ભડગ, કારોબારી ચેરમેન હિમાંશુભાઈ રમેશચંદ્ર બબેરીયા, દંડક અહેમદ રસુલભાઈ ચાંદ, બાંધકામ સમિતિ માસુમાબેન મહોમંદ ગરબાડાવાળા, પક્ષના નેતા દીપેશકુમાર રમેશચંદ્ર લાલપુરવાલા ચૂંટાઇ આવ્યા હતાં. ભાજપના આગેવાનો કાર્યકરોએ નવનિયુકત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકને ફૂલહાર પહેરાવે મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વૈષ્ણવ સમાજમાં હર્ષલ્લાસ : દાહોદ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નગરપાલિકા ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં તમામ નગરજનોનું અભિવાદન થયું હતું. પ્રમુખ તરીકે નીરજભાઈ દેસાઈ ગોપીની વરણી કરાતા વૈષ્ણવ સમાજમાં હર્ષલ્લાસ છવાયો છે.
ભાજપ પાસે 31 બેઠક: દાહોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021ના રોજ યોજાઈ હતી. 9 વોર્ડની 36બેઠકો માટેની ચૂંટણી થયા બાદ પરિણામો જાહેર થતાં ભાજપે 31 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અને છેવટે પ્રમુખ પદ માટે સતત ત્રીજી વાર વિજયી બનેલા વોર્ડ નંબર ચારના કાઉન્સીલર રીના પંચાલની પસંદગી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ પદ પર અબ્દી ચલ્લાવાલાની વરણી કરવામાં આવી હતી.
- વિકાસ માટે 'આયોજન કરો, ત્વરિત કામ કરો'ના સૂત્રથી જનસુખાકારીના કામો કરવા આહ્વાન: ધનસુખ ભંડેરી
- દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના બાળકને આંગણવાડી સ્કૂલમાં મુક્યું