દાહોદઃ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોનાથી પ્રભાવિત વિસ્તારોના આગેવાનો સાથે 8 બેઠક કોરોના સામે લડવા અંગે સૂંચનો આપ્યા હતા. આ સાથે તેમને જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં રોગપ્રતિકારક શક્તિ વધારતા અમૃતપેય ઉકાળા તથા હોમિયોપેથિક દવામાં 22 લાખ લોકોને આવરી લેવાયા છે. નિયંત્રિત વિસ્તારોમાં 60 વર્ષથી વધું ઉંમરના અને કોમોરબીડ હોય એવા નાગરિકોના આરોગ્યની સતત અને સઘન તપાસણી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં 14 ધન્વંતરિ રથો દ્વારા 97 સ્થળોએ કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં 1900થી વધુ લોકોએ ધન્વંતરિ રથનો લાભ લીધો છે. જે પૈકી 10 પોઝિટિવ દર્દીને હેલ્થ સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
કલેક્ટર વિજય ખરાડી એક મહત્વપૂર્ણ વાત કરતા જણાવે છે કે, દાહોદમાં જેટલા મૃત્યુ થયા છે, એમાં એક બાબત એવી ધ્યાને આવી છે કે, દર્દીઓ છેલ્લી ઘડીએ દવાખાનામાં દાખલ થયા હતા. દાહોદથી કેટલાક દર્દીઓ પોતાના રૂટિન ચેકઅપ માટે વડોદરા જાય છે, જ્યાં ટેસ્ટ કરાવ્યા બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ ઉપરાંત દર્દીઓ પોતાના આરોગ્યને લગતી હકીકતો છૂપાવે છે. તેથી અમે ડબગરવાડ તથા ઘાંચીવાડમાં કાર્યરત હોય એવા 5 તથા વડોદરાના 2 તબીબોને પોતાને ત્યાં થતી ઓપીડીની વિગતો આરોગ્ય તંત્રને નિયમિત રીતે આપવા સૂચના આપી છે. આવી જ અપીલ જિલ્લાના તબીબોને પણ કરવામાં આવી છે. જેથી કોરોનાના શંકાસ્પદ દર્દીઓની માહિતી પ્રાથમિક તબક્કે જ મળી જાય. તેમજ તેમને નાગરિકોને પણ વિનંતી કરી હતી કે, શરદી, ખાંસી કે તાવ હોય એવા સંજોગોમાં તાત્કાલિક નજીકના સરકારી દવાખાને પોતાની આરોગ્ય તપાસ કરાવે.