10 વર્ષથી ફરાર આરોપી પોલીસ પકડમાં દાહોદ : ગુજરાતમાં પ્રોહીબિશનના 144 ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી પિદિયા સંગાડાને દાહોદ પોલીસે ઝડપી લીધો છે. ગુજરાત રાજ્યના વોન્ટેડ ટોપ 25ની યાદીમાં પહેલા ક્રમના આરોપીને દાહોદ એલસીબી પોલીસે ખરોદા જંગલમાંથી વેશપલટો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
10 વર્ષથી ફરાર : ગુજરાત અને મધ્યપ્રદેશમાં આંતરરાજ્ય પ્રોહિબિશનના 144 ગુનાનો આરોપી પિદિયા સંગાડા છેલ્લા 10 વર્ષથી ફરાર હતો. સરકાર દ્વારા ઇનામી જાહેર કરાયેલો આરોપી અને ગુજરાત રાજ્યના વોન્ટેડ ટોપ 25ની યાદીમાં પ્રથમ નંબરના આરોપી પિદિયા રત્નાભાઇ સંગાડાને દાહોદ એલસીબી પોલીસે પોતે જાનૈયાનો વેશ ધારણ કરીને દાહોદ નજીક આવેલા ખરોદા ગામે આવેલ અલાની તલાઈના જંગલમાંથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીના ગુનાહિત કૃત્યો:આરોપી પિદિયા સંગાડા સામે 144 દારુના કેસ છે તેમ જ તેની પાસેથી અત્યાર સુધીમાં 2,03,10,665ની કિમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સામે દાહોદ જિલ્લામાં 130 કેસ છે. જ્યારે વડોદરા જિલ્લામાં 01, પંચમહાલ જિલ્લામાં 09 અને મેઘનગરમાં 04 કેસ નોંધાયા છે.
લાબાં સમયથી શોધખોળ થઇ રહી હતી :દાહોદ જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં આવેલા છે તેમાં 130 જેટલા પ્રોહિબિશનના ગુનામાં અટક કરવાના બાકી એવા મોટા બુટલેગર એવા પિદિયા રત્નાભાઇ સંગાડીયા ( સંગાડા)ની ઘણા સમયથી શોધખોળ ચાલુ હતી. ઘણા પ્રયાસો કરવા છતાં સફળતા મળેલ નહીં. તે દરમિયાન એલસીબી પીઆઇ કે.ડી. ડીંડોડ તથા એલઆઈબી પી આઈ ડી.ડી પઢીયાર અને એમની ટીમને આ રીઢા આરોપીને પકડવાની મોટી સફળતા મળી છે.
આ આરોપી પિદિયા રત્નાભાઇ સંગાડા 10 વર્ષથી આ પ્રકારની ગુનાઓ આચારનારા ટેવવાળા છે. રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા દાહોદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 144 જેટલા કેસો અત્યારે ધ્યાને આવેલા છે. જેમાં એની અટક કરવાની બાકી હતી. દાહોદના ખરોદા ગામે આલની તલાઈ જંગલમાં પોલીસે જાનૈયાનો વેશ પલટો કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અરેસ્ટની કામગીરી ઘણા સમય પછી પ્લાનિંગ કરવાથી સફળતા મળી છે.આરોપી વિરુદ્ધ 144 જેટલા ગુનાઓ રેકોર્ડ પર પ્રસ્થાપિત થઈ ગયા છે... બલરામ મીણા ( દાહોદ ડીએસપી)
વધુ તપાસ ચાલુ :બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે 144 ગુનામાં આજ દિન સુધી જે મુદ્દામાલ છે તે વિદેશી દારૂ 2,03,10,665 ની આજુબાજુનો છે. આ ઉપરાંત હજુ સ્ટેટ કંટ્રોલના માધ્યમથી રાજ્યની અને આજુબાજુના જિલ્લામાં હજુ માહિતી મંગાવી રહ્યા છે કે કે આરોપીને હજુ કોઈ બીજા કેસમાં અટક કરવાના બાકી હોય તો તેની માહિતી આપવામાં આવે.
બુટલેગરોમાં ભય : છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આ રીઢા બુટલેગરને દાહોદ એલસીબી એ ખરોદાના જંગલમાંથી ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરતાં દારૂની હેરફેર કરનાર બુટલેગરોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. છેવટે દાહોદ પોલીસની હદમાંથી વિદેશી દારુની હેરાફેરી કરવામાં પોલીસને હાથતાળી આપતો રહેતો પિદીયા સંગાડા પકડાતાં દારુનો વેપલો કરનારા કાબૂમાં આવશે તેવી આશા છે.
- Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે
- Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત
- Navsari News : ફાર્મ હાઉસમાં મ્યુઝિક સાથે દારૂની નાઈટ પાર્ટી પોલીસે ચાલવા ન દીધી, છ નબીરાઓની ધરપકડ