દાહોદ : જિલ્લામાં છ નકલી કચેરી ઊભી કરી રૂપિયા 18.69 કરોડ રૂપિયાનો કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કૌભાંડી સંદીપ રાજપૂતને દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવી પૂછપુરછ કરી હતી. જેમાં કૌભાંડના તાર 2019માં દાહોદ ખાતે પૂર્વે પ્રાયોજના વહીવટદાર આઈએએસ અધિકારી બી ડી નીનામા સુધી લંબાયાં હતાં. ત્યારે નીનામાનું નામ ખુલતા દાહોદ પોલીસે ધરપકડ કરી લીધી છે. જેને લઇ સરકારી કર્મચારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પૂર્વ આઈએએસ અધિકારી બી ડી નીનામા કોર્ટમાં રજૂ :છોટા ઉદેપુરના બોડેલીમાં સિચાઈ વિભાગની નકલી સરકારી ઓફિસ ઉભી કરી 4.15 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. મામલાને લઇ તપાસ કરી રહેલી સિટ ટીમની તપાસમાં સ્ફોટક વિગતો સામે આવી હતી. જેમાં વધુ તપાસમાં આરોપીઓ સંદીપ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લામાં પણ છ નકલી કચેરી ઊભી કરાઈ હોવાની માહિતી સીટના અહેવાલમાં બહાર આવી હતી. જેને લઈને દાહોદ પોલીસ દ્વારા તપાસમાં વિગત સામે આવી હતી કે દાહોદ જિલ્લામાં પણ આરોપીઓ દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાયો હતો. જેના પુરાવા અને માહિતી એકત્રિત થતા દાહોદ પોલીસે પૂર્વે પ્રાયોજના વહીવટદાર આઈએએસ અધિકારી બી ડી નીનામાની ધરપકડ કરી હતી. કેસ સદંર્ભે આજ રોજ પૂર્વ આઈએએસ અધિકારી બી ડી નીનામાને વધુ તપાસ અર્થે દાહોદ પોલીસે રિમાન્ડ મેળવવા માટે દાહોદ કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા જેને લઈને સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.