દાહોદ: લોકડાઉનની અથાગ કામગીરી વચ્ચે દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રએ 4581 બાળકોની સંસ્થાકીય પ્રસુતિ કરાવી છે. આ બાળકો ભાગ્યશાળી છે કે, તેઓ જન્મતાની સાથે જ લોકડાઉન વચ્ચે એકદમ શુદ્ધ હવા શ્વાસમાં લઇ રહ્યાં છે.
દાહોદ જિલ્લાના દવાખાનાઓમાં દોઢ મહિનામાં 4581 બાળકોનો જન્મ કોરોનાની આપત્તિ આપણી માથે આવી ત્યારથી આરોગ્ય સેનાનીઓ અથાગ મહેનત કરી લોકોના આરોગ્યની રક્ષા કરી રહ્યાં છે. કોરોના કામગીરી સાથે સાથે સગર્ભા મહિલાઓને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવામાં પણ જિલ્લાનું આરોગ્ય તંત્ર અવલ્લ રહ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો આર.ડી.પહાડિયાએ જણાવ્યા મુજબ દોઢ મહિનાની સ્થિતિ જોઇએ તો ગરબાડા તાલુકામાં 483,ઝાલોદ તાલુકામાં 893, દાહોદ તાલુકામાં 984, દેવગઢ બારિયા તાલુકામાં 557, ધાનપુર તાલુકામાં 353, ફતેપુરા તાલુકામાં 487, લીમખેડા તાલુકામાં 366, સિંગવડ તાલુકામાં 243 અને સંજેલી તાલુકામાં 215 બાળકોનો જન્મ થયો છે.
દાહોદ જિલ્લામાં 15 માર્ચથી 31 માર્ચના સમયગાળા દરમિયાન 2070 બાળકોની સંસ્થાકીય પ્રસુતિ થઇ હતી. જ્યારે, પ્રવર્તમાન એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં 2511 બાળકોનો જન્મ થયો છે.
એએનસી સગર્ભા માતાઓને આઇસીડીએસ કાર્યકરોના માધ્યમથી પોષણયુક્ત આહાર પણ પૂરો પાડવામાં આવ્યો છે. સગર્ભા મહિલાઓ માટેની ખાસ ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ સતત કાર્યરત રહી છે. ખિલખિલાટ એમ્બ્યુલન્સનું કામ સગર્ભા મહિલાઓને ઘરેથી દવાખાના સુધી લઇ જવા,લઇ આવવાની સેવા વિનામૂલ્યે પૂરૂ પાડવાનું છે. માર્ચ માસના બીજા પખવાડિયા દરમિયાન ખિલખિલાટ દ્વારા 4904 સભર્ગા મહિલાઓને આ દવાખાને લઇ જવાની સેવા પૂરી પાડી હતી. જ્યારે, એપ્રિલ માસમાં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે પણ અત્યાર સુધીમાં ખિલખિલાટ વાન 6315 સગર્ભા માતાઓની સેવા કરી ચૂક્યું છે. આમ, લોકડાઉનમાં પણ સમગ્ર સરકારી તંત્ર જનસેવાનું કાર્ય અવિરત પણે ચાલુ જ રાખ્યું છે.