ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે દેશભરમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શિક્ષક દિન નિમિત્તે દાહોદમાં રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં શિક્ષક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. બચુભાઇ ખાબડે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન આપ્યું છે.
દાહોદના શ્રેષ્ઠ શિક્ષક તરીકે યોગદાન આપનાર ગુરુઓનો સન્માન સમારોહ યોજાયો શિક્ષકનું મહત્વ જણાવતા તેમણે કહ્યું કે પરમાત્મા પછી કોઈ કામ કરી રહ્યું હોય તો તે શિક્ષક છે. સમાજને એક દિશા આપવાના કાર્યમાં શિક્ષકનું મહત્વનું યોગદાન છે. મહત્વકાંક્ષી દાહોદમાં એક શિક્ષક તરીકે તમે ફરજ બજાવો છો ત્યારે તમારી પાસે અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. માવતર આંગણવાડીને બાળક સોંપે છે, ત્યાંથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થીને ઘડવાની જવાબદારી તમારી છે.
અત્યારે વિશ્વના ફલક ઉપર ભારતનું નામ છે, તેવા વૈજ્ઞાનિકોનું ઘડતરનું કામ પણ શિક્ષકોએ જ કર્યું છે. મહાન ભારતના નિર્માણ માટે શિક્ષકો વિદ્યાર્થીઓને ઘડીને પાયાની કામગીરી કરવાની છે. દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપીને રાષ્ટ્રનું ઘડતરમાં પોતાનું યોગદાન આપીને તે માટે સક્ષમ બનાવવાના છે.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 4 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પ્રશસ્તિપત્ર તથા રૂ. 15000નો ચેક આપીને કરવામાં આવ્યું હતું. જેમાં અશ્વિનકુમાર જોશી, કિરીટભાઈ પટેલ, રમણભાઈ પટેલ અને સુરેશભાઈ માળી નામના શિક્ષકોનો સમાવેશ થાય છે.
જ્યારે તાલુકા કક્ષાના શિક્ષકોને રૂ. 5000નો ચેક અને પ્રશસ્તિ પત્ર આપીને શ્રેષ્ઠ 11 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદ જિલ્લાના 300 જેટલા વિદ્યાસહાયકોને પૂરા પગારના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજીને રકતદાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા વિજયભાઈ ખરાડી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન પી પાટડીયા, જિલ્લા શિક્ષણ અધિકારી એ.બી.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.પટેલ સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.