- દાહોદમાં સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે
- વધતા જતાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા નિર્ણય
- જિલ્લા વેપારી મંડળોએ પણ આપ્યો સાથ
દાહોદ: જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી કોરોના વાઇરસના કેસમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. તેમાં હવે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી મંડળોનો પણ સહયોગ સાંપડ્યો છે. ખાસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર વિજય ખરાડી સાથે બેઠકો બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે. વેપારી મંડળોનો આ નિર્ણય આવકારદાયક છે. કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે. વાયરસનું સંક્રમણ તીવ્રગતિથી ફેલાઇ રહ્યું છે. તેને રોકવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાંઓ લઇ રહી છે. પણ જ્યાં સુધી લોકસહકાર ના મળે ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓ અપૂર્ણ છે. તે બાબતને ધ્યાને રાખીને દાહોદ જિલ્લાના વેપારી મંડળોએ સહકારમાં એક કદમ આગળ વધાર્યું છે અને ઉક્ત નિર્ણય લીધો છે.