દાહોદઃ સોશિયલ મીડિયામાં કોરોના રિપોર્ટને લઇ એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમા એવું જૂઠાણું ચલાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા નગરપાલિકા-મહાનગરપાલિકાને કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે દોઢ લાખ રૂપિયા અપાય છે અને આ રૂપિયા માટે નગરપાલિકા-મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે વધુમાં વધુ પોઝિટિવ કેસો જોર-બળજબરીથી એડમીટ કરી જાહેર કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર કોરોનાના વાયરલ થયેલા સમાચાર ખોટા, જાણો વિગત - જિલ્લા માહિતી કચેરી
સોશિયલ મીડિયામાં બદઇરાદાથી ઘણા ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવતા હોય છે. આવા ફેકન્યૂઝ ફોરવર્ડ કરવા પણ ગુનો છે, ત્યારે દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા તાજેતરમાં જ આવા જ એક ન્યૂઝ બાબતે તપાસ કરતા તે ફેક ન્યૂઝ હોવાની તથ્ય બહાર આવ્યું હતું.
![સોશિયલ મીડિયા પર કોરોનાના વાયરલ થયેલા સમાચાર ખોટા, જાણો વિગત viral message](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8485972-thumbnail-3x2-co.jpg)
viral message
જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા આ સમાચાર બાબતે તપાસ કરતા આ સમાચાર તથ્યોથી સંપૂર્ણ વેગળા હોવાનું સાબિત થયું હતું. કલેક્ટર વિજય ખરાડીએ આ બાબતે જણાવ્યું કે, આ સમાચાર ફેકન્યૂઝ છે. આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતી આરોગ્ય તપાસ ખૂબ જરૂરી છે. તંત્ર દ્વારા ખૂબ જ તકેદારી સાથે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેથી આવા પ્રકારના સમાચારમાં કોઇ તથ્ય નથી. સોશિયલ મીડિયાની આવી ખોટી પોસ્ટથી નાગરિકોએ ભ્રમિત થવું નહીં અને પોતાના આરોગ્યની તપાસ સમયાંતરે કરાવતા રહે એ જરૂરી છે.