દાહોદ: વૈશ્વિક કોરોના મહામારીએ જિલ્લામાં જમાવેલી પકડને નાબૂદ કરવા માટે આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.તે છતાં પણ કોરનાને સંપૂર્ણ નાબૂદ કરી શકાયું નથી. આ કોરોના મહામારીને નાથવા માટે જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા એક પખવાડિયામાં નવા નોંધાયેલા કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો બાદ જિલ્લા કલેક્ટરને કેટલીક બાબતો જે ખૂબ સંવેદનશીલ જણાતા જિલ્લા વાસીઓને તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું કે, દુકાનમાં ખરીદી વખતે સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે. ઘણાં વેપારીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. માટે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે છ ફૂટનું અંતર રાખવું જોઇએ અને માસ્ક ફરજીયાતપણે બંન્ને પક્ષે પહેરેલા હોય તે પણ એટલું જ આવશ્યક છે. વેપારીઓ પણ આ પ્રકારની વ્યવસ્થા કરે તે જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત સામાજિક પ્રસંગોમાં, મરણ પ્રસંગે કે સામુહિક મેળાવડાઓમાં પણ જવાનું ટાળવું જોઇએ. કોરોના સંક્રમણના કેસોમાં એવા કેસો ઘણા જોવા મળી રહ્યાં છે જેઓ બે-ત્રણ દિવસ અગાઉ કોઇ સામાજિક-ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને ત્યાર બાદ તે કોરોના સંક્રમિત થયા હોય.જેથી આ મહામારીમાં પ્રસંગોમાં જવું ટાળવું જ જોઇએ.