દાહોદ: જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે. જેથી ઓફિસ-કાર્યક્ષેત્ર ખાતે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું.
જિલ્લામાં કોરોના મહામારીથી છેલ્લા પખવાડિયા દરમિયાન સરકારી કર્મચારીઓ વધુ સંક્રમિત થયા છે. સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં સંક્રમિત થવાના કારણે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું કે, દરેક સરકારી કચેરી ખાતે કોરોના સંક્રમણને ટાળવા માટે એક નોડલ ઓફીસરની નિમણુંક કરવાની રહેશે જેઓએ આ જવાબદારી સુપેરે નિભાવવાની રહેશે. કચેરીના પ્રવેશ દ્વાર પર ફરજીયાત સેનેટાઇઝરથી હાથ સાફ કરવા અને થર્મલગનથી શરીરનું તાપમાન માપવું અને પલ્સઓક્સીમીટર પણ સાથે રાખવું. ફક્ત ચિન્હો વગરના એટલે કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફના હોય તેવા કર્મચારીઓ-મુલાકાતીઓને જ પ્રવેશ આપવો. જે કર્મચારીને કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણ જણાતા હોય તો તેમનો કોરોના ટેસ્ટ તુંરત જ કરાવવો.