દાહોદના સ્વામી વિવેકાનંદ હૉલ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ વિવિધ યોજનાઓના લાર્ભાથીઓને પોષણકીટ વિતરીત કરવા માટે સુપોષણ ચિંતન સમારોહ તથા આંગળવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવાર્ડ વિતરણ તથા સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ રાજયકક્ષાના પશુ પાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઇ ખાબડ તથા દાહોદ જિલ્લાના સાંસદથી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. ત્યારે દાહોદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયકક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, "આંગણવાડી બહેનોએ ગ્રામ્ય વિસ્તારની ઓળખ છે, તેમણે આંગણવાડી બહેનોને આપણા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તેવો સંકલ્પ લેવા તથા તેને પૂરો કરવા કહ્યું હતું. પારકાના બાળકને ઉછેરવાની જવાબદારી સરકારે તમને આપી છે. માતા યશોદાની જેમ તમારે તમારી ફરજ નિભાવવાની છે. કુપોષણના કલંકને દૂર કરવા સૌ સાથે મળીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની છે.