- દાહોદ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકામાં ભાજપની બહુમતી
- દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
- દાહોદ નગરપાલિકાનો ગઢ ભાજપે અડીખમ જાળવ્યો
દાહોદ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીના મત ગણતરીને શરૂઆતથી જ ભાજપે કોંગ્રેસને ધોબી પછડાટ આપીને આગાવાડા જિલ્લા પંચાયત બેઠકથી વિજય લહેર શરૂ કરી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વ પટ્ટી અને સરહદી વિસ્તારોમાં એક પછી એક તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના પરાજય થવાની સાથે ભાજપના ઉમેદવારોનો વિજયઘોષ સંભળાવવાનું શરૂ થયું હતું. જિલ્લામાં ઝાલોદ નગરપાલિકાની એક બેઠક, દાહોદ નગરપાલિકાની બેઠકો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપે અવિરત વિજયનું રણશિંગુ ફુક્યું હતું.
કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 40 બેઠકો કોંગ્રેસને 9 બેઠકો અને અપક્ષને એક બેઠક મળી છે. આમ ભાજપે કોંગ્રેસના ધુરંધરોને ધૂળ ચાટતા કરી દીધા છે. આ કોંગ્રેસના ધોરણ તો સામે ભાજપના ઉગતા સિતારા રૂપી નવયુવા ઉમેદવારોએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આમ દાહોદ જિલ્લા પંચાયત પર પંજાને કચડીને કમળનો બહુમત સાથે વિજય પરચમ લહેરાવ્યો છે.