દાહોદ: જિલ્લામાં લોકડાઉન દરમિયાન બેન્કમિત્રો દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની રકમ ઉપાડવાની સુવિધા કરવામાં આવી છે. જેનો 4.43 લાખ ગ્રાહકોએ લાભ લીધો છે અને 3982 લાખ રૂપિયાની રકમ તેમના દ્વારા ઉપાડવામાં આવી છે.
જિલ્લામાં રોજના સરેરાશ 14 હજાર જેટલાં ટ્રાન્જેકન્શસ બેન્ક મિત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. બેન્કમિત્રો દ્વારા રજાના દિવસે એટલે કે શનિવાર અને રવિવારના દિવસે પણ કામ ચાલુ રાખવામાં આવે છે. આમ જોઇએ તો જિલ્લાની બેન્કોનું કામનું બહુ મોટું ભારણ ઓછું થાય છે. આ સાથે બેન્કોમાં ભીડ પણ ઓછી થાય છે. જે કોરોના સંક્રમણના સમયમાં ખૂબ જરૂરી છે.
232 બેન્કમિત્રો દ્વારા સ્થાનિક સ્તરે પૂરી પાડવામાં આવતી બેન્કિંગ સુવિધા
ગ્રામ્ય વિસ્તારોમાં જયાં ઘણા વધુ ટ્રાન્જેકશન થતા હોય છે ત્યાં બેન્કો દ્વારા જે તે ગામમાંથી જ બેન્ક મિત્રની નિમણુંક માટે અરજી મંગાવવામાં આવે છે. જે કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને બેન્કોને પૂરા પાડવામાં આવે છે. જેમને તાલીમ બાદ પરીક્ષા પાસ કરવાની હોય છે. બેન્ક મિત્ર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી રહી છે, તેમાં બેન્કમાં ખાતું ખોલાવવાથી લઇને પૈસા ઉપાડવા, જમા કરાવવા કે પૈસા ટ્રાન્સફર પણ કરી આપે છે.
232 બેન્કમિત્રો દ્વારા સ્થાનિક સ્તરે પૂરી પાડવામાં આવતી બેન્કિંગ સુવિધા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બેન્ક મિત્ર મોટા આશીર્વાદ સમાન છે. કારણ કે, બેન્ક સાથે જોડાયેલી કોઇ પણ કામગીરી માટે ફોર્મ ભરવું, સ્લીપ ભરવી જેવું કામકાજ તેમને મોટી કડાકુટ સમાન લાગતું હોય છે. મોટે ભાગે કોઇ ભણેલા વ્યક્તિની સહાય લઇને જ પૈસા સાથે જોડાયેલી કામગીરી કરવાનો તેઓનો આગ્રહ હોય છે.
બેન્ક મિત્ર દ્વારા આ કામગીરી માટે અલગથી કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. આ માટે દૂરની બેન્કમાં જવાની જરૂર પણ નથી. બેન્ક મિત્ર દ્વારા ચલાવાતા નજીકના કેન્દ્ર પર જઇને સરળતાથી અને ઓછા સમયમાં રોકડ લેવડ દેવડની કામગીરી ઓનલાઇન થઇ શકે છે.બેન્કમિત્ર તરીકેની આ કામગીરીમાં મહિલાઓ પણ ખૂબ આગળ છે. સ્વસહાય જૂથની 84 મહિલાઓ બેન્કમિત્ર તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરીને ગ્રામજનોને બેન્કિંગ જરૂરીયાતોને સ્થાનિક સ્તરે જ પૂરી કરી રહી છે. બેન્કોમાં થતી ભીડને ખાસ્સાં પ્રમાણમાં ઘટાડી રહી છે.
232 બેન્કમિત્રો દ્વારા સ્થાનિક સ્તરે પૂરી પાડવામાં આવતી બેન્કિંગ સુવિધા
સખીઓ દ્વારા બેન્કિંગ કામગીરી સાથે આધારકાર્ડ નામ સુધારણા સહિતની સેવાઓ, પાન કાર્ડથી લઇને બસ કે ટ્રેન ટિકિટ બુકિંગ, મોબાઇલ કે ટીવી રિચાર્જ, સ્વાસ્થ્ય, વાહન સહિત જીવન વીમાની કામગીરી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર મળતી મોટાભાગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
દાહોદના ખરોડ ગામમાં 29 વર્ષના લીલાબેન નિનામા બીસી સખી તરીકે કામગીરી કરે છે. તેઓ આ ગામના જ છે અને વિનયન શાખામાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. આ કામગીરી માટે તેઓને ડીઆરડીએની સહાયથી આ માટે તાલીમ પણ આપવામાં આવી છે. તેઓ જણાવે છે કે, અહીં રોજના સરેરાશ 50 થી 60 લોકો દ્વારા બેન્કિંગ સગવડોનો લાભ લેવામાં આવે છે. આસપાસના ખજૂરી, બોરવાણી વગેરે ગામના લોકો પણ અહીં આવે છે. સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી હું અહીંયા કામ કરૂ છું. બેન્કમાં સ્લીપ ભરવાની વગેરે કામગીરી મુશ્કેલ લાગતી હોય એવા ગ્રામજનો અહીંના સેન્ટરને જ પ્રાથમિકતા આપે છે.
બેન્કમિત્ર તરીકે કામ કરતા ઝાલોદના પેથાપુર ગામના રીનાબેન લબાના 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ જણાવે છે કે, મોટાભાગના સ્થાનિક ગ્રામજનો અહીંથી રોકડની લેવડદેવડ માટે આવે છે. રોજના 60 જેટલા લોકો અમારા કેન્દ્રનો લાભ લે છે. અમે આધારકાર્ડ લીન્ક કરવા જેવી અન્ય કામગીરી પણ ગ્રામજનોને કરી આપીએ છીએ.
જિલ્લાના તમામ બેન્ક મિત્રો માટે બેન્ક તરફથી રૂ.2000 તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. જેથી તેઓ માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા કેન્દ્ર પર કરી શકે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બેન્ક મિત્ર તરીકે કામગીરી કરતી સ્વસહાય જૂથની મહિલાઓને તેમના કેન્દ્રનો લાભ લેતા દરેક ગ્રામજનને વહેંચવા માટે માસ્ક આપ્યા છે. આ સાથે કેન્દ્ર પર કોવિડ-19 વિશે જાગૃતિ માહિતી આપતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં છે. કોરોના સંક્રમણના સમયમાં સરકારના સૂચનો મુજબનું સંપૂર્ણ પાલન કરીને જ બેન્ક મિત્રો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
બેન્કમિત્રો આ કામગીરી માટે ગ્રાહકો પાસેથી કોઇ કમિશન નથી લેતા, પરંતુ અમુક રકમના ટ્રાન્જેકશન અને નવા ખાતા ખોલવા જેવી કામગીરી માટે બેન્ક તરફથી તેમને સારૂ એવું કમિશન મળે છે. આ બેન્કમિત્રો મહિને 20 હજાર રૂ.ની કમાણી તો આસાનીથી કરી લે છે. સ્વસહાય જૂથોની મહિલાઓને તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહિને 4000 ફિકસ પગાર આપવામાં આવે છે. ઉપરાંત કમિશન તો તેઓ મેળવે જ છે. લોકડાઉનના સમયમાં પણ ગ્રામજનોને રજાઓના દિવસો સહિત ઘરઆંગણે સેવાઓ ઉપલબ્ધ કરાવીને બેન્કમિત્ર એક સાચા કોરોના વોરિયર્સની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યાં છે.