દાહોદ: જિલ્લાના ધાનપુર તાલુકાના ડોજગાર ગામે નજીવા કારણસર થયેલી લડાઇમાં એક વ્યક્તિએ પોતાની કમરમાં રાખેલો દેશી તમંચો કાઢી રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઈ ખાબડના ભાણેજના કપાળના ભાગે મારતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ તેને છોડાવવા વચ્ચે પડનારા શખ્સને ધાક ધમકી આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધાનપુરમાં રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઈ ખાબડના ભાણેજ ઉપર ફાયરિંગ થતા ઇજાગ્રસ્ત - Bachubhai Khabad's nephew injured in firing at Dojgar in Dhanpur
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં એક વ્યક્તિએ પોતાની કમરમાં રાખેલો દેશી તમંચો કાઢી રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઈ ખાબડના ભાણેજના કપાળના ભાગે મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ તેને છોડાવવા વચ્ચે પડનારા શખ્સને ધાક ધમકી આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે પટેલ ફળીયામાં રહેતા બચુભાઈના ખાબડના 45 વર્ષીય ભાણેજ આપસિંગભાઈ ધુળાભાઈ પટેલ તથા દિનેશભાઈ મથુરભાઈ મેડા ગત રોજ મોડી સાંજે ડોઝગાર ગામે આવેલા તેમના ખેતર બાજુ જતા હતા. તે વખતે એક મોટર સાઈકલ પર આવેલા સંજોઇ ગામના સુરેશભાઈ હિમલાભાઈ બારીયા તથા અન્ય એક વ્યકિતએ પોતાની મોટર સાઈકલ આપસિંગભાઈ ધુળાભાઈ પટેલ તથા દિનેશભાઈ મથુરભાઈ મેડાની પાસે ઊભી રાખીને તમે અમારા ગામમાં કેમ આવ્યા છો તેમ કહી બેફામ બિભસ્ત શબ્દો બોલતા આપસિંગભાઈ પટેલે તેને અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેથી સુરેશભાઈ હિમલાભાઈ બારીયાએ એકદમ ઉશ્કેરાઇ જઇ તેની કમરમાં રાખેલ દેશી તમંચો કાઢી આપસિંગભાઈના કપાળ પર ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી. તે વખતે તેને છોડાવવા દિનેશભાઈ મથુરભાઈ મેડા દોડી આવતા સુરેશભાઈ હીમલાભાઈ બારીયાએ દિનેશભાઈ મેડા સામે તમંચો રાખી બંને વ્યકિતને મારી નાખવાની ધાક ધમકીઓ આપી પોતાની મોટર સાઈકલ પર બેસી નાસી ગયા હતા.
આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત આપસિંગભાઈ ધુળાભાઈ પટેલની નોધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે સંજોઈ ગામના સુરેશભાઈ હીમલાભાઈ બારીયા તથા તેની સાથેના એક શખ્સ વિરુદ્ધ ઇપીકો કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.