દાહોદઃ રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં શનિવારથી વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે નદીનાળા અને કોતરોમાં છલકાયા છે, તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલ અનાસ નદી બંને કાંઠે વહેવાના કારણે દાહોદ જિલ્લાના ઠુંઠી કંકાસીયા ગામના છ જેટલા વ્યક્તિઓ પૂરના પાણીમાં તણાયા હતા.
દાહોદ જિલ્લામાં ભારે વરસાદને આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત - દાહોદ જિલ્લા વહીવટી તંત્ર
હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવાની સાથે વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તેની સાથે જ દાહોદ જિલ્લામાં એક NDRFની ટીમ પણ તંત્ર દ્વારા મોકલવામાં આવી છે, જે કલેકટર કચેરીએ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
રાજ્ય હવામાન વિભાગે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ જિલ્લામાં અતિથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. બે દિવસ સુધી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે. તેમજ સરકાર દ્વારા દાહોદ મુકામે પણ 21 વ્યક્તિઓની NDRFની ટીમ મોકલવામાં આવી છે. આ ટીમ દાહોદ મુકામે આવી પહોંચી છે.
NDRFની ટીમ જિલ્લામાં ભારે વરસાદ થાય તો પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં લોકોને સહાય માટે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દાહોદ જિલ્લાની પરિસ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યું છે.