દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા તરકડા મહુડી ગામે 30મી નવેમ્બરના રોજ દંપતી અને બાળકો સાથે 6 જણાનો સામૂહિક હત્યાકાંડ પ્રકાશમાં આવતા જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગ દોડવા માંડ્યું હતું. આ સામૂહિક હત્યાકાંડમાં મરણ પામનાર ભરત પલાસનો પરિવાર તેમજ તેનો પિતરાઈ ભાઈ વિક્રમ પલાસનો મોરબીના રફાળેશ્વર રેલવે ટ્રેક પર કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
ભરત પલાસના પરિવારનો સામૂહિક હત્યાકાંડ અને વિક્રમ પલાસની હત્યા કે આત્મહત્યાના બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિત રાજ્યના ડીજીપી દ્વારા હત્યાકાંડને ઉકેલવા માટે ખાસ ફોકસ પાડવામા આવ્યો હતો. આ હત્યાકાંડને ઉકેલવા માટે જિલ્લાની વિવિધ એજન્સીઓ સહિત વડોદરા અને અમદાવાદની તપાસ એજન્સીઓ પણ કામે લાગી હતી. પોલીસ વિભાગ દ્વારા ગુના સંદર્ભ વિવિધ એંગલથી તપાસ કર્યા બાદ ભરતની પત્ની તથા વિક્રમ વચ્ચે આડા સંબંધ હોવાનું તેમજ તેની વર્તણુંક શંકાસ્પદ હોવાનું એજન્સીઓને ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે ઉપરોક્ત દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યાકાંડમાં મરણ પામનાર ભરતના પરિવારજનોના નિવેદનો લઇ વિક્રમ પલાસ અને ભરત પલાસની પત્ની બન્ને જોડે આડા સંબંધ હોવાનું બહાર આવ્યું હતું.