દાહોદ : જિલ્લામાં કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવા માટે જિલ્લા પ્રશાસન સતત પ્રયત્નશીલ દિશામાં કામગીરી બજાવી રહી હોવા છતાં કેટલાક લોકો દ્વારા સતત જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને શહેર-જિલ્લામાં લટાર મારતા જોવા મળી રહ્યાં છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે: દાહોદ કલેક્ટર
દેશની સાથે દાહોદ જિલ્લામાં કોરોનાવાયરસના પગલે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઇને કેટલાક વેપારી તત્વો દ્વારા સંઘરાખોરી કરી ઉંચા ભાવ લેવામાં આવી રહ્યા છે તેમજ કેટલાક નાગરિકો જાહેરનામાનો ભંગ કરી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે ત્યારે આવા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે.
તેમજ દાહોદ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધવા પામી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવા તત્વો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું મૂળ કિંમત કરતા ઊંચા ભાવે નાગરિકોને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા સમાહર્તા દ્વારા સંગ્રહખોરોને તેમજ ઊચા ભાવે વેચાણ કરનાર વેપારીઓને સંદેશ પાઠવી જિલ્લા કલેકટર વિજય ખરાડી એ જણાવ્યું હતું કેે વહીવટી તંત્ર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે આગામી આયોજનો થઈ ચૂક્યા છે અને જાહેરનામાનો ભંગ કરી લટાર મારવા નીકળતા તત્વો સામે પોલીસ ફરિયાદ સહિત કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવી ગયું છે.