દાહોદ: કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે દાહોદ જિલ્લા કલેકટરે 144 કલમ અને જાહેરનામું બહાર પાડ્યું છે. પરંતુ લોકો દાહોદ શહેરમાં દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરી દુકાન શરૂ રાખવામાં આવતા નગરપાલિકાએ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં જાહેરનામાનો ભંગ, 2 વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઇ - દાહોદ ન્યૂઝ
વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાઇરસના 400થી વધુ કેસ સામે આવ્યાં છે. ગુજરાતમાં 30 કેસ કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે. દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ 2 વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વાઇરસનો વ્યાપ ઘટાડવા માટે જિલ્લામાં CRPC 144નું જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં સંચારબંધી કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી મનમાની કરતા જોવા મળ્યા હતા. દાહોદ શહેરના બે વેપારીઓ વિરુદ્ધ નગરપાલિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કોરોના વાઇરસના કારણે જાહેરનામું હોવા છતાં નગરપાલિકા વિસ્તારમાં કપડાના વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ કરી અડધી દુકાન ખુલ્લી રાખીને વેપાર કરવામાં આવી રહ્યોં હતો. પાલિકા કર્મચારીઓએ તેમની દુકાન સીલ કરી હતી. જ્યારે કસ્બા વિસ્તારમાં કાપડના વેપારી દુકાન ખુલ્લી રાખી વેપાર કરતાં તેમની સામે પણ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.