દાહોદ જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં રાજ્ય પ્રધાન બચુ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં દુર્ગમ વિસ્તારો વસતા લોકોને પીવા માટેનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડ અને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ પાણીની યોજનાનું એવી રીતે આયોજન કરવું જોઇએ કે, જેથી જે-તે યોજના સમય મર્યાદામાં પૂર્ણ થઇ જાય અને લોકોને કોઇ તકલીફ ન પડે.
આગામી ઉનાળા સુધીમાં વર્તમાન તમામ યોજનાઓના સર્વે થઇ, ટેન્ડરિંગ પ્રક્રિયા અને સમયસર કામ પૂર્ણ કરવા બચુ ખાબડે અધિકારીઓને જણાવ્યું હતું. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ વિજય ખરાડીએ પાણીની યોજનાના સુચારૂ અમલીકરણ માટે સંબંધિત વિભાગોએ સારી રીતે સંકલન કરી લેવા જણાવ્યું હતું. તેમણે પણ વિવિધ યોજનાની સમીક્ષા કરી હતી.
દાહોદમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ આ બેઠકમાં દેવગઢ બારિયાના 7, ધાનપુર તાલુકાના 14, ઝાલોદના 4, સિંગવડના 10, ફતેપુરા તાલુકાના 4, ગરબાડાના 2, દાહોદ તાલુકાના 4 અને લીમખેડા તાલુકાના 11 ગામોને રૂ. 16.5 કરોડની પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પાણી, હાફેશ્વર, સ્થાનિક સ્ત્રોતો પર આધારિત છે. કુલ 12826 ઘરોને આવરી લેવાનું આયોજન છે.
આ ઉપરાંત દાહોદ તાલુકાના ચોસાલા, ધાનપુર તાલુકાના લીમડી મેદરી, લીમખેડાના ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના 95 ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટે તેની હયાત યોજનામાં રૂ. 2.03 લાખના ખર્ચથી સુધારો કરી આ યોજના લાગુ કરવામાં આવશે. બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનર કે. કે. પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનરે મોઢિયા, વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્મા, CDHO ડૉ. પરમાર, નાયબ પશુપાલન નિયામક ડૉ. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.