દાહોદ: જેકોટ ખાતે ટ્રેનમાં આગનો બનાવ બન્યો છે. દાહોદ - આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી હતી. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે. ટ્રેન દાહોદથી આણંદ જઈ રહી હતી. સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોના જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.
ફર્સ્ટ ક્લાસના બે કોચમાં આગ: દાહોદ જિલ્લાના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેન નંબર 09350 એન્જિનમાં અચાનક ટેકનિકલ કારણોસર આગ ફાટી નીકળતા ટ્રેનના પાછળ એન્જીન સાથે લાગેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં આગ લાગી હતી. જે આગળના 2 કોચ સુધી પ્રસરી હતી. જોકે, કોચમાં ધુમાડો નીકળતા જેકોટ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો સમય સુચકતા વાપરી ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. બનાવના પગલે દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પ્રભાવિત થયો હતો, જ્યારે બન્ને તરફનો રેલ વ્યવહાર અમુક કલાકો સુધી બંધ કરવામાં આવ્યો હતો.
મુસાફરોનો આબાદ બચાવ:ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. જ્યારે ટ્રેનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. ઘટનાના કારણે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.