સેલવાસ: કોરોના સામે ગુજરાત રાજ્યની જેમ સંઘપ્રદેશ પ્રશાસન પણ દિવસ રાત કામ કરી રહ્યું છે. પ્રશાસનની અનેક ટીમ અંતરિયાળ ગામડાઓ તેમજ શહેરી વિસ્તારમાં ફરી લોકોને કોરોના સામે જાગૃત કરી જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી રહી છે. આરોગ્ય વિભાગ પણ મુખ્ય રસ્તાઓ, શેરીઓ અને હોસ્પિટલોને ચેપરહિત કરી રહી છે.
જાણો,સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના સામે કઈ રીતે કામ કરી રહ્યું છે પ્રશાસન
સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે દેશ સહિત તમામ રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે આવો જાણીએ દાદરા નગર હવેલીમાં કોરોના સામે પ્રશાસન કઇ રીતે કામ કરી રહ્યું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કોરોના સામેની લડતમાં ગંભીર બની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રશાસને આપેલા અખબારી યાદી મુજબ આરોગ્ય વિભાગ દ્વારા 12 હોસ્પિટલ, 4 કોરોન્ટાઇન સ્થળો, 37 સરકારી ઇમારતો, 28 જાહેર સ્થળો, 1899 ચાલ, 19 જાહેર રસ્તાઓને ડિસઇન્ફેક્શન કર્યા છે.
પ્રદેશના 197 ફાર્મસીઝમાંથી 166 ફાર્મસીઝની મુલાકાત લીધી છે. જેમાં 123 મેડિકલ સ્ટોર ખુલ્લા જોવા મળ્યા છે. જ્યારે 43 મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતાં. આ તમામ મેડિકલ સ્ટોરમાં માસ્ક, હેન્ડ સેનીટાઇઝર, હાઇપો ક્લોરાઇડ સોલ્યુશનના જથ્થા અંગે ચકાસણી કરવામાં આવી હતી. જે મુજબ 446 સેનીટાયઝરનું વિતરણ, 254 સ્ટોકમાં, 4600 માસ્કનું વિતરણ, 5000 માસ્ક સ્ટોકમાં, 97 હાઇપો ક્લોરાઇડ સોલ્યુશનનું વિતરણ કરાયું છે.