સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરે મુંબઇની હોટલમાં કરેલાઆત્મહત્યાની ઘટનાને 22 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું છે. જેને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રદેશમાં સાપ્તાહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહારાષ્ટ્રના શિવસેનાના કેબિનેટપ્રધાન આદિત્ય ઠાકરે(Cabinet Minister Aditya Thackeray) અને દિગગજ નેતા સંજય રાઉતે (Sanjay Raute)દાદરા નગર હવેલીમાં ડેલકરના નિવાસસ્થાને આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોહનભાઈની તસવીરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં.
DNH ના માજી સાંસદને અપાઈ પ્રથમ વાર્ષિક શ્રધ્ધાંજલી
દાદરા નગર હવેલીમાં 7 ટર્મ સુધી સાંસદ તરીકે રહી ચુકેલા દિવંગત મોહન ડેલકરે 22 ફેબ્રુઆરી 2021માં મુંબઇની હોટલમાં આપઘાત કર્યો હતો. તેમના નિધનને એક વર્ષ પૂર્ણ થતાં સેલવાસમાં તેમને શ્રધ્ધાંજલિ આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવંગત ડેલકરને શ્રદ્ધાંજલિ આપવા સાયલી ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર શિવસેનાના કેબિનેટપ્રધાન આદિત્ય ઠાકરે અને દિગગજ નેતા સંજય રાઉત પણ દાદરા નગર હવેલી આવ્યા હતાં.
દિલથી અને મનથી રાજનીતિ કરતો પરિવાર
અહીં બંને દિગગજ નેતાઓએ દિવંગત મોહન ડેલકરની તસવીરને શ્રધ્ધાસુમન અર્પણ કરી જણાવ્યું હતું કે મોહનભાઈ ડેલકરના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. કેમ કે આ પરિવાર સાથે રાજનૈતિક નહીં પરંતુ પારિવારિક સંબંધો છે. ડેલકર પરિવાર અને ઠાકરે પરિવાર દિલથી અને મનથી રાજનીતિ કરતો પરિવાર છે. લોકોના હિત માટે સતત લડત આપતા આવ્યા છે.
નીડર અને લીડર નેતા મોહનભાઈને યાદ કરવાનો દિવસ છેઃ આદિત્ય ઠાકરે
આજે મોહનભાઈની શ્રદ્ધાંજલિ આપવા સાથે તેમના પરિવારના કલાબેન ડેલકરને ચૂંટણીમાં જીત અપાવવા બદલ આ પ્રદેશના લોકોનો આભાર પ્રગટ કરવાનો અવસર છે. એક લડાઈ આપણે જીતી ચુક્યા છીએ અને હજુ ન્યાય માટેની લડાઈ ચાલુ છે. તેમાં પણ બહુ જલ્દી ન્યાય મેળવીશું. આ દિવસ રાજનૈતિક વાતો કરવા માટે નહીં પંરતુ આ પ્રદેશના નીડર અને લીડર નેતા મોહનભાઈને યાદ કરવાનો દિવસ છે. એટલે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.