સેલવાસ: કોરોનાની મહામારી અને લોકડાઉનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો વતન વાપસી કરી રહ્યા છે. આ સમયને સંઘપ્રદેશના ખેડૂતો પુરુષાર્થમાં પરિવર્તિત કરી રહ્યાં છે. સંઘપ્રદેશમાં ચોમાસુ આધારિત ખેતી થાય છે. જે માટે અત્યારથી જ આદિવાસી ખેડૂતો ટાંચા સાધનો અને કોઠાસૂઝથી ખેતરની જમીનનું ધોવાણ અટકાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
દાદરા નગર હવેલીમાં આદિવાસી ખેડૂતોની કોઠાસૂઝ, જમીનનું ધોવાણ અટકાવવા કરે છે તનતોડ મહેનત - આદિવાસી ખેડૂતોની કોઠાસૂઝ મહેનત
કોરોનાની મહામારી અને લોકડાઉનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો વતન વાપસી કરી રહ્યા છે. આ સમયને સંઘપ્રદેશના ખેડૂતો પુરુષાર્થમાં પરિવર્તિત કરી રહ્યાં છે. સંઘપ્રદેશમાં ચોમાસુ આધારિત ખેતી થાય છે. જે માટે અત્યારથી જ આદિવાસી ખેડૂતો ટાંચા સાધનો અને કોઠાસૂઝથી ખેતરની જમીનનું ધોવાણ અટકાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 60 કિલોમીટર દૂર દુર્ગમ વિસ્તારનું આ ખેડપા ગામ છે. આ વિસ્તારમાં રહેતા આદિવાસી ખેડૂતો ચોમાસુ આધારિત ખેતી પર નિર્ભર છે. આ વિસ્તારની જમીનો પથરાળ વાળી અને ઢોળાવ વાળી છે. જેમાં પોષકતત્વો વાળી માટીનું પ્રમાણ ઓછું હોય છે. જેમાં પોતાના પરિવારના ભરણપોષણ માટે આદિવાસીઓ પેઢી દર પેઢીથી ખેતી કરતા આવ્યા છે.
આ ડુંગરાળ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઢોળાવ પરથી ધસમસતા પાણીમાં માટીનું ધોવાણ મોટા પ્રમાણમાં થતું હોય છે. આ ધોવાણને અટકાવવા બારકુભાઈ અને સોનજીભાઈ જેવા ઘણા આદિવાસી પરિવારો પોતાના સ્વબળે પોતાની આગવી કોઠાસૂઝ વડે ભારેખમ પથ્થરો અને માટીનું પીચિંગ કરી માટીનું ધોવાણ અટકાવવા સાથે ખેતઉત્પાદન માટે જળસંચય કરી પ્રકૃતિના બચાવનું કાર્ય કરે છે.
મશીનરી વડે ડેમ અને ચેકડેમ બનતા આપણે સૌએ જોયા છે. પણ પોતાના સુકલકડી શરીર વડે ભારેખમ પથ્થરો ઊંચકી કામની જગ્યાએ લઈ જતા ખેડૂતોની મહેનત થકી આવનારા ચોમાસાની તૈયારી પછી ખેત ઉત્પાદન વધશે અને ડુંગરાળ વનરાજી ફરી એકવાર આચ્છાદિત થશે એવા આત્મવિશ્વાસ સાથે તનતોડ મહેનત કરી રહ્યા છે.
સ્લોપી એરિયામાં પથ્થરના પીચિંગ વડે ખેડૂતો જમીનનું ધોવાણ અટકાવી એની ફળદ્રુપતામાં વધારો મેળવે છે. પરિણામે પાકનું ઉત્પાદન વધે છે. જળ સંચયના કારણે ડુંગરાળ વિસ્તારોમાં જલ્દી પાકતા ધાન્ય નાગલી, મગ, અડદ, તુવરનું ઉત્પાદન મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. જળ સંચય વડે વૃક્ષોનો વિકાસ વધે છે. જે માનવ સાથે પશુ પક્ષીને પણ ખોરાક પૂરો પાડે છે.