દાદરા નગર હવેલીની દપાડા ગર્લ્સ હોસ્ટેલના રસોડામાં કુકર ફાટતા 4 લોકો ઘાયલ
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત દપાડા ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈઘરમાં અચાનક કુકર ફાટતા ત્રણ વિદ્યાર્થીની અને મહિલા કુક દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ગર્લ્સ હોસ્ટેલમાં કૂકર ફાટવાની આ ઘટના પહેલા પણ બની ગઇ છે.આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત દપાડા ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈઘરમાં કુકર ફાટવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં સાંજના સમયે રસોઈઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક કુકર ફાટતા મહિલા કુક સોનમબેન બાબુભાઇ સહિત ત્રણ વિદ્યાર્થિનીઓમાં યોગિતાબેન રાજુ કુરકુટીય, વંદનાબેન પરશુભાઈ, ચંદનબેન શંકર ચૌધરી દાઝી ગયા હતા. જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતાં.
દાઝી ગયેલી ત્રણ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઇજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે મહિલા કુક સોનમબેનની હાલત નાજુક હોવાને કારણે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ દરમિયાન સંઘપ્રદેશના ખાનવેલ, કૌચા, નરોલી, રૂદાનામાં પણ શાળાઓમાં કુકર ફાટવાની ઘટનાઓ બની હતી. જે તે સમયે નરોલી ગામના સરપંચે પ્રસાશનને હલકી કક્ષાના કુકર આપ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ ગુરુવારે ફરી હોસ્ટેલમાં કુકર ફાટવાની ઘટના બની હતી. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠી છે.