650 લોકોની વસ્તી ધરાવતું મધુબન ગામ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું ગામ હોવા છતાં આ ગામ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલું ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને મધુબન ડેમમાં માછીમારી કરવાનો છે. એક સમયે વિકાસથી વંચિત રહેલું આ ગામ હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગામ જૂથ ગ્રામપંચાયત માં હોવા છતાં ગામમાં શિક્ષણ, પાણી અને લાઇટની સુવિધા છે. ડામરના માર્ગો છે. ગામના લોકોએ વર્ષો પહેલા વિકાસને લક્ષ્ય રાખી દાદરા નગર હવેલીમાં ભળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં 'વિકાસ' તો ગુજરાતનો જ 'સાથ', સરહદી ગામનો આ રણટંકાર કેમ? વાંચો અહેવાલ - ગુજરાતના છેવાડાના ગામો
દાદરા નગરહવેલી: સંઘપ્રદેશ દાદરા નગરહવેલીની મધ્યમાં આવેલા મેઘવાળ ગામની જેમ મધુબન ગામ પણ ગુજરાતનું સરહદી ગામ છે. એક સમયે વિકાસથી વંચિત રહેલું આ ગામ આજે વિકાસશીલ બન્યું છે, ત્યારે સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં ભળવાને બદલે તેમને ગુજરાતમાં જ રહેવું પસંદ હોવાનું સ્થાનિક ગામલોકોએ જણાવ્યું હતું.
આગામી દિવસોમાં જો મોબાઇલ નેટવર્કની સુવિધા મળે તો પછી અમારે ગુજરાતમાથી દાદરા નગર હવેલીમાં સામેલ થવાની કોઈ જરૂર નથી. જ્યારે કેટલોક યુવાવર્ગ માને છે કે, ગામ જો ગુજરાતને બદલે દાદરા નગર હવેલીમાં હોય તો શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓમાં લાભ મળી શકે.
હાલમાં ઉચ્ચ અભ્યાસ માટે કે આરોગ્ય માટે દાદરા નગર હવેલીનું ખાનવેલ અને સેલવાસ વલસાડ જિલ્લાના કપરાડા, વાપી વલસાડની તુલનાએ નજીકના મથકો છે. પરંતુ તેમ છતાં વધુ અભ્યાસ માટે તેમજ ઉત્તમ સગવડ માટે તો અમારે ગુજરાતમાં જ જવું પડે છે અને સંઘપ્રદેશના લોકોએ પણ ગુજરાતમાં જ જવું પડે છે. એટલે અમને ગુજરાતમાં રહેવું વધારે પસંદ છે.
ઉલ્લેખનીય છે કે, મધુબન ગામ નદી કાંઠાનું ગામ છે અને મોટાભાગના લોકો જમીનના ખાતેદારો હોવાના બદલે જંગલ અને ડૂબાણની જમીનમાં ખેતી કરે છે અને વસવાટ કરે છે. જે માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ જ કનડગત નથી, પરંતુ જો દાદરા નગર હવેલીમાં ભળી જાય તો કદાચ તેઓ ના ઘરના કે ના ઘટના રહી શકે છે. તે દહેશત સતાવી રહી છે.