સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રખોલી વિસ્તારમાં આવેલા હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળા સંચાલકોએ 7:30 વાગ્યાનો સવારનો અભ્યાસના સમયમાં ફેરફાર કરીને 7:00 વાગ્યાનો સમય કરતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. શાળાની બહાર માર્ગ પર 500 જેટલા વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કરતા ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ ઉદ્દભવી હતી. વિદ્યાર્થીઓના હોબળાને ધ્યાનમાં રાખીને સેલવાસ પોલીસ પણ તાત્કાલિક ધોરણે રખોલી શાળા ખાતે પહોંચીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.
શાળાના સમયમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો - gujaratinews
દાનહ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા રખોલી હાયર સેકન્ડરી ખાતે 500 જેટલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને તાત્કાલિક પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, મામલતદાર અને શાળા સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ એકના બે નહીં થતા, આખરે દાદરા નગર હવેલી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અને મામલતદારે સ્થળ પર આવીને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી. જે બાદ તમામ શાળા સંચાલકો સાથે આ અંગે બેઠક યોજાઈ હતી. જે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તે અંગે વિદ્યાર્થીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને સંતોષજનક જવાબ મળતા વિદ્યાર્થીઓએ પણ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.
આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, શાળાનો સમય પહેલા 7:30 વાગ્યાનો હતો. જે સમયે અમને મહામુશ્કેલીએ બસ સહિતના વાહનો મળતા હતા. કેટલાક વિદ્યાર્થીઓ અંતરિયાળ ગામડાં વિસ્તારમાંથી આવતા હોવાથી વહેલી સવારમાં બસ કે અન્ય વાહન મળવું મુશ્કેલ બની જાય છે. જેને ધ્યાનમાં રાખીને આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો શાળા અગાઉનો સમય માન્ય રાખે તો જ, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પડતી મુશ્કેલીનો યોગ્ય ઉપાય મળી શકશે.