સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 135માં સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના ગણતરીના કાર્યકરોને મહાનુભાવોએ ઉપયોગી માર્ગદર્શન આપી પક્ષના ઇતિહાસથી વાકેફ કરાવ્યાં હતાં.
સંઘપ્રદેશમાં કોંગ્રેસ વિચારધારાને મજબૂત બનાવવા સંવિધાન બચાવો રેલી યોજાશે
સેલવાસ: સમગ્ર દેશની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના 135માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાર્ટીના આદેશ મુજબ આગામી દિવસમાં દાદરા નગર હવેલીની તમામ 20 ગ્રામ પંચાયતમાં કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવી દેશમાં ચાલી રહેલા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવશે તેવું કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીના આદેશ મુજબ સંવિધાન બચાવો રેલીનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે. જે મુજબ દેશમાં કેન્દ્ર સરકારની તાનાશાહી, હિટલરશાહી, અને કાળા કાનૂન વિરોધમાં રેલી યોજવામાં આવશે. દેશમાં સંવિધાનનું હનન થઈ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ આવે તે માટે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ તમામ 20 ગ્રામ પંચાયતમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ આગામી દિવસોમાં એક વિશાળ જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય હોવાનું જણાવતા પ્રભુ ટોકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોમાં કોંગ્રેસની વિચારધારા મજબૂત બને તે માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસી આગેવાનો, કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશના નેતાઓએ કોંગ્રેસના ઇતિહાસની ગાથા વર્ણવી હતી.