વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બોર્ડર વિલેજ તરીકે જાણીતા રાયમલ ગામના ગોરથી ફળિયાના રહીશો આજે પણ પાયાગત સુવિધાઓથી વંચિત છે. અહીં સરકાર તરફથી તો તમામ સુવિધાઓ આપી હોવાની સરકારી ચોપડે નોંધ છે. પરંતુ તે સુવિધાઓ અહીં ક્યાંય નજર આવતી નથી. ગામના લોકોએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે ગામ નદી કાંઠે છે. નજરમાં તો પાણી જ પાણી છે. પરંતુ તેમ છતાં શુદ્ધ પીવાનું પાણી નસીબમાં નથી. નદી કાંઠે વીરડો ગાળી કાંપ વાળું પાણી પીવું પડે છે. રસ્તા ધોવાઈ ગયા છે. લાઈટ, આંગણવાડીના ઠેકાણા નથી.
સેલવાસનું રાયમલ ગામ સરકાર ચોપડે તો વિકસિત પરંતુ વાસ્તવિકતા સાવ જુદી - ગામની દયનીય હાલત
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગરહવેલી અને ગુજરાતના બોર્ડર વિલેજ ગામ તરીકે જાણીતા રાયમલ ગામના લોકો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. હકીકતે આ ગામ કપરાડા તાલુકા પંચાયતમાં આવતું હોય અહીં પાણી-રોડ-શાળા-લાઈટ તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. પરંતુ આ સુવિધાઓ માત્ર સરકારી ચોપડે છે. ગામના લોકો આજે પણ આ સુવિધાઓ માટે વલખા મારે છે.
સરકારી ચોપડે વિકસિત ગામની દયનીય હાલત
ઉલ્લેખનીય છે કે આ ગામની આ સાચી હકીકત ત્યારે સામે આવી જ્યારે ગામ ગુજરાતમાં રહેવા માંગે છે કે દાદરા નગર હવેલીમાં જોડાવા માંગે છે. તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવાની કોશિષ કરી. ગામના મોટાભાગના લોકોએ તે વખતે ગામના સરપંચ સાથે ઉભા રહી ગુજરાતમાં રહેવાની વાત કરી હતી. પંરતુ, ગોરથી ફળિયાના યુવાનોએ ગામમાં સુવિધાઓ નથી તે અંગે વાત કરતા ગામના સરપંચ સ્થળ છોડી રફુચક્કર થઈ ગયા હતા.