વાસોણા લાયન સફારી ખાતે બાળ વયથી વૃદ્ધ અવસ્થા સુધી પ્રવાસીઓ માટે અકર્ષણનું કેન્દ્ર રહેલી સિંહણ સોનલે 11મી જૂનના અંતિમ શ્વાસ લીધા હતા. સોનલ વયમર્યાદાને કારણે છેલ્લા 25 દિવસથી બીમાર હતી. જેની વનવિભાગ અને નવસારીના ડોકટર દ્વારા સતત સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે જિંદગી સામેનો જંગ લડી રહેલી સિંહણ સોનલ મોત સામે હારી જતા આખરે તેણે પોતાની આંખો સદાયને માટે મીંચી લીધી છે.
સોનલના મોતના દુઃખદ સમાચારે ફકત સફારી માજ નહીં પણ પ્રકૃતિપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને લાયન સફારીની મુલાકાત વેળાએ સોનલની ડણક સાંભળનારા પ્રવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. મંગળવારની મધરાતે 11 : 55 કલાકે સોનલે દેહ ત્યાગ કર્યાની જાણકારી સફારી અધિકારી વિજય પટેલે આપી હતી. સોનલનું પોસ્ટમોર્ટમ ડો. વિજય પરમારે કરી સોનલના નશ્વર દેહને વનવિભાગને સોંપતા વનવિભાગના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ વિધિ પૂર્વક સોનલના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.