સેલવાસમાં ત્રણ કંપનીમાં આયકર વિભાગની રેડ - selwas
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મસાટ ખાતે આવેલ વાસુપુજ્ય ફિલામેન્ટ અને નરોલીમાં આવેલી દોઢિયા સિન્થેટિકમાં મુંબઈ અને ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગની સયુંકત રેઇડ પાડતા ઔદ્યોગિક વિસ્તારમાં ફડફડાટ વ્યાપી ગયો હતો.

મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી અને એક જ માલિકની ત્રણ અલગ અલગ કંપનીના દાદરા નગર હવેલીના મસાટ-નરોલી યુનિટમાં ઇન્કમટેક્ષ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કંપનીની મુંબઈની ઓફિસમાં સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક વધુ નાણાકીય વહીવટ અંગેની તપાસ માટે કંપનીના યુનિટમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હોવાનું જાણવા મળ્યું છે.
સેલવાસ નજીક મસાટમાં આવેલા વાસુપુજ્ય ફિલામેન્ટ અને નરોલીમાં આવેલા દોઢિયા સિન્થેટિકના યુનિટમાં ઇન્કમટેક્ષ અધિકારીઓએ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સર્ચ ઓપરેશનમાં મુંબઈ અને ગુજરાતની સંયુક્ત ઇન્કમટેક્ષ વિભાગની ટીમ જોડાઈ છે. મળતી માહિતી મુજબ આ સર્ચ ઓપરેશનમાં કરોડોનું બેનામી નાણું કે, બેનામી વહીવટ સામે આવવાની શક્યતા રહેલી છે. ઇન્કમટેક્ષ વિભાગની રેઇડને પગલે સેલવાસના ઔદ્યોગિક વિસ્તારમાં ફડફડાટ વ્યાપી ગયો હતો.