સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભાજપના વર્તમાન લોકસભા ઉમેદવાર નટુભાઈ પટેલે પોતાના બે ટર્મના શાસનમાં કરેલા વિકાસની વિકાસ પુસ્તિકા અને મેનિફેસ્ટોને જનજન સુધી પહોંચાડવા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નટુભાઈએ પોતે 10 વર્ષમાં કરેલા વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી.
મારી જીત પાક્કી છે હું જ સ્ટાર પ્રચારક હું: નટુ પટેલ નટુભાઈએ જણાવ્યું હતું કે, પોતાના શાસનકાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજવલ્લા યોજના, જંગલની જમીન સહિતના અનેક વિકાસના કાર્યો કરી આ પ્રદેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ત્યારે આ પ્રદેશમાં વધુ વિકાસના કાર્યો માટે પોતાને ત્રીજી વખત વિજેતા બનાવવા કમળ પર બટન દબાવી પ્રદેશના વિકાસમાં યોગદાન આપે તેવી અપીલ કરી કરી હતી.દાદરા નગર હવેલીમાં આ ચૂંટણી પ્રચારમાં એકપણ સ્ટાર પ્રચારક ચૂંટણી પ્રચાર માટે આવ્યા નથી. તે સંદર્ભે નટુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પોતે જ સ્ટાર પ્રચારક છે. જનતા તેમની સાથે છે. અને જનતાના સાથ સહકારથી પોતે જ ત્રીજી વખત જીત મેળવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હોવાનું જણાવી નટુભાઈએ જણાવ્યું હતું કે, જનતાનો તેમને ખૂબ જ સાથ સહકાર મળ્યો છે.અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવાર આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી પાયાની સુવિધાઓ ન મળી હોવાનો પ્રચાર કરે છે. તે અંગે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં સારી શાળાઓ, સાયન્સ કોમર્સ કોલેજ અને મેડિકલ કોલેજ તેમનાં જ શાસનકાળમાં મળી છે. જ્યારે અપક્ષ ઉમેદવારની અહીં પોતાની કોલેજ છે. પોતાની એવી કોલેજ નથી તેમને માત્ર જનતા માટે કામો કર્યા છે. એવી જ રીતે કોંગ્રેસના 50 વર્ષના શાસનમાં અહીં પીવાનું પાણી નહોતું મળતું તે પીવાનું પાણી ઘર ઘર પાઇપલાઇન વાટે તેમના શાસનકાળમાં જ લોકોને મળતું થયું છે. તેવું નટુભાઈએ જણાવી અપક્ષ અને કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતાં.તે ઉપરાંત પોતાને જ સ્ટાર પ્રચારક માનતા અને દાદરા નગર હવેલીની જનતા તેમની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતા નટુભાઈ પટેલનો આ વિશ્વાસ કેટલો અતૂટ રહે છે તે તો હવે ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે.