સેલવાસના પ્રફુલ પટેલ દ્વારા કરાયેલી આંતરિક બદલીમાં દાદરાનગર હવેલીના લોકપ્રિય કલેકટર કન્નન ગોપીનાથનના સ્થાને દમણના કલેકટર સંદીપકુમાર સિંહને મૂકવામાં આવ્યા છે. જ્યારે દમણના કલેકટર તરીકે દાદરાનગર હવેલીના ડેપ્યુટી કલેકટર રાકેશ મીનહાસને બઢતી આપવામાં આવી છે. દાદરાનગર હવેલીના લોકપ્રિય કલેકટર કન્નન ગોપીનાથનને દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઉર્જા સચિવ સિવાય બીજા વધારાનો ચાર્જ સોંપાયો છે. તો પ્રજાપ્રિય કલેકટરની બદલી થતાં દાદરાનગર હવેલીના લોકોમાં ગમગીનીનું મોજું ફેલાયું છે.
આ ઉપરાંત દાનિક્સ હર્ષિત જૈનને દમણ-દીવનાં નિર્દેશક અને શિક્ષણ ઉપસચિવના પદ પરથી મુક્ત કરાયાં છે. તેમના સ્થાને IAS અધિકારી સલોની રાઈને નિયુક્ત કરવામાં આવ્યાં છે. શિક્ષણ સચિવ પદે રહેલા પૂજા જૈનને OIDC ની જવાબદારી સોંપાઈ છે. તો પ્રશાસકના સલાહકાર એસ.એસ. યાદવ સંભાળતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને શિક્ષણ સચિવની જવાબદારી એ. મુથમ્માને સોંપાઈ છે. ત્યારે એસ.એસ યાદવે સેન્ટ્રલ ડેપ્યુટશન માટે અરજી કરતા તે ટૂંકમાં જ વિદાય લેવાના છે.
દમણ-દીવ અને દાદરાનગર હવેલીના નાણાં સચિવ તેમજ માહિતી અને પ્રસારણનો હવાલો દેવિન્દર સિંહને સોંપાયો છે. તો દીવના ડેપ્યુટી કલેકટર ડોક્ટર અપૂર્વ શર્માને સેલવાસના રેસીડન્ટ ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત કરી તેમના સ્થાને દીવના નગરપાલિકાના ચીફ ઓફિસર વંદના રાવને વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.