ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર - Gujarati news

સેલવાસઃ દાદરા નગર હવેલીમાં આગામી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. જેમ-જેમ 23મી એપ્રિલ નજીક આવી રહી છે, તેમ ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણીનો પ્રચારની ગતિમાં વધારો કર્યો છે. સામાન્ય લોકોની સામે પણ ન જોતા અને તેમના પ્રશ્નોને આંખ આડા કાન કરતા નેતાઓ જીત મેળવવા માટે ધોમધખતા તાપમાં લોકોને ઘરે મળવા આવી રહ્યા છે. દરેક ચૂંટણીમાં પ્રચાર તો થાય જ છે, પરંતુ રાજ્યમાં થતા પ્રચારથી કંઈક હટકે જ પ્રચાર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષના નેતાએ દાદરા નગર હવેલીમાં કરી રહ્યા છે.

દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

By

Published : Apr 9, 2019, 9:53 AM IST

આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજકિય પાર્ટીઓ પ્રચારમાં ડોર ટુ ડોરનો કોન્સેપ્ટ અપનાવી લોકો પાસે મત માગવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ દાદરા નગર હવેલીમાં ચૂંટણી પ્રચારનો માહોલ શું કહી રહ્યો છે.

ETV ભારતનો સ્પેશ્યલ રિપોર્ટ

લોકસભા ચૂંટણીમાં સંઘપ્રદેશના 2.50 લાખ મતદારોને રીઝવવા માટે હાલ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં કૉંગ્રેસના યુવા ઉમેદવાર પ્રભુ ટોકીયા હાલ દાદરા નગર હવેલીમાં પોતાનો ગઢ ગણાતા કિલવણી પંચાયતના પોતાના સિલિ વિસ્તારમાં સ્થાનિક આદિવાસીઓને મળી કૉંગ્રેસને જીત આપાવવા અપીલ કરી રહ્યા છે. પ્રભુ ટોકીયા સ્થાનિક મુદ્દાને લઇ ગ્રામવાસીઓ સમક્ષ જો કોંગ્રેસ જીતશે તો કેવા લાભ મળશે તેની માહિતી આપી રહ્યા છે. વીતેલા 32 વર્ષથી સત્તા પર રહેલા નેતાઓએ કઈ રીતે પ્રદેશનું અહિત કર્યું છે, તે ઉદાહરણ આપી કોંગ્રેસને વિજય બનાવવાથી પ્રદેશમાં કેવા વિકાસના કામો થશે તેની રૂપરેખા આપી રહ્યા છે.

પ્રભુ ટોકીયાએ સ્થાનિક મુદ્દાને ETV ભારત સાથે વાત કરતા કહ્યુ કે, પોતે એક આંદોલનકારી યુવા નેતા છે. અહીંના લોકોના હક અને અધિકાર માટે છેલ્લા 5 વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છે. હું અહીંની વારલી કોમ્યુનિટીમાંથી આવુ છે, અને સમસ્ત વારલી સમાજ મારી સાથે છે. જે ગામમાં તે પ્રચાર માટે આવ્યા છે, તે ગામમાં લોકો માટે એક સ્મશાન પણ નથી. સ્મશાનની જમીન લેન્ડ માફિયાઓ કબ્જે કરીને બેઠા છે, સ્થાનિકોને નજીકની કંપનીઓમાં કામ નથી મળતું, જેવા અનેક મુદ્દાઓ છે જેમાં સરાકાર વિકાસ કરવામાં પાછી પડી છે. કૉંગ્રેસની વિચારધારા દરેક સમાજને સાથે લઈને ચાલવાની છે, અને દરેક ચૂંટણી પ્રચારમાં દરેક સમાજનો સાથ સહકાર મળી રહ્યો છે.

તો બીજી તરફ ભાજપના ઉમેદવાર અને સીટીંગ સાંસદ નટુભાઈ પટેલે પણ જોરશોરથી ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. સેલવાસના પોશ એરિયાની સોસાયટીમાં નટુભાઈ પોતાના સમર્થકો સાથે એપાર્ટમેન્ટના દાદરા ચડી ભાજપને મત આપવા દરેક ઘરમાં અપીલ કરી રહ્યા છે. નટુભાઈએ ETV ભારત સાથેની વાચતીચમાં જણાવ્યું કે, જનતાનો પૂરો સાથ સહકાર મળી રહ્યો છે, અને સેલવાસની જનતા નરેન્દ્ર મોદીની સાથે છે. સંઘપ્રદેશમાં થયેલા વિકાસના મુદ્દાને લઈને મતદારો સમક્ષ જઈ નટુભાઈએ ડોર ટૂ ડોર પ્રચારથી દરેક ઘરના લોકોને મળે છે. તેમનુ કહેવું છે કે, ઘરે-ઘરે જઈ લોકોને મળી શકાય અને તેમની શું માગ છે તે પણ જાણી શકાય છે. અમે લાઈટ, પાણી, આરોગ્ય સેવા, ગેસ પાઇપલાઇન સહિતની દરેક યોજનાઓની જાણકારી આપીએ છીએ અને શહેરીજનો, ગામલોકો તમામનો ખુબજ સહકાર મળી રહ્યો છે.

ભાજપ, કૉંગ્રેસના ઉમેદવારથી હટકે પ્રચાર તો અપક્ષમાંથી બેટ્સમેનના સિમ્બોલ સાથે મેદાને ઉતરેલા મોહન ડેલકરનો છે. મોહન ડેલકર સેલવાસના દરેક વોર્ડમાં ઘરે-ઘરે અને દુકાને-દુકાને ફરી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. 'એક જ ચાલે એક જ ચાલે મોહનભાઇ ડેલકર ચાલે', હું છું મોહન ડેલકરના જયઘોષ સાથે જંગી કાર્યકર્તાઓ સાથે મોહન ડેલકર દરેક મતદારોને મળી ચૂંટણીમાં જીત અપાવવા અપીલ કરી રહ્યા છે. મોહન ડેલકરે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ લોકસભા ચૂંટણીમાં મને લોકોનું સમર્થન છે અને પરિવર્તન ની લહેર છે. આ પ્રદેશના લોકોનો વિકાસ થાય, રોજગારી મળે, યુવાનોને ધંધો-વેપાર મળે તે માટેના કામ કરવાના વાયદા સાથે આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, તે જોતા લાગે છે કે, આ વખતે 100 ટકા પરિવર્તન લાવશું.

એક તરફ ભાજપ પાસેથી દદરા નગર હવેલીની બેઠક કબ્જે કરવા કૉંગ્રેસે યુવા અને આદિવાસીઓના હક માટે આંદોલન ચલાવનાર પ્રભુ ટોકીયાને મેદાને ઉતર્યા છે. તો બીજી તરફ ભાજપના નેતા નટુ પટેલ પોતાની સીટ બચાવવા મહેનત કરી રહ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર પરિવર્તનની લહેરને પારખી પોતાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ધોમધખતા તડકાને બદલે આ તમામ નેતાઓ સાંજથી મોડી રાત સુધી ડોર ટૂ ડોર લોકસભા ચૂંટણીનો પ્રચાર કઈ રહ્યા છે. ત્યારે આખરે સંઘપ્રદેશના મતદારો કોને પોતાનો નેતા ચૂંટે છે. તે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે, પરંતુ હાલ આ તમામ દિગજજો પોતાનું શક્તિ પ્રદર્શન તો જરૂર બતાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details