ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં કાઉંચા-દૂધની વચ્ચે ફેરી બોટ સર્વિસમાં વધારો કરવાની માંગ - Dadra Nagar Haveli Natural View

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આઝાદી બાદ કાઉંચા અને દૂધની ગામમાં આવાગમન માટે સરકાર દ્વારા ફેરી બોટ સર્વિસ શરૂ કરી છે. ગામલોકો આ બોટમાં પોતાના વાહનોને એક કાંઠેથી બીજે કાંઠે લઈ જાય છે. ગામલોકો, વિદ્યાર્થીઓ પણ પેસેન્જર બોટનો ઉપયોગ કરે છે. જો કે હવે દિવસેને દિવસે લોકોની અને વાહનોની સંખ્યા વધતા અહીં ચાલતી ફેરી બોટની સર્વિસમાં વધારો કરવાની માંગ સ્થાનિકોની છે.

દાદરા નગર હવેલીમાં કાઉંચા-દૂધની વચ્ચે ફેરી બોટ સર્વિસમાં વધારો કરવાની માંગ
દાદરા નગર હવેલીમાં કાઉંચા-દૂધની વચ્ચે ફેરી બોટ સર્વિસમાં વધારો કરવાની માંગ

By

Published : Oct 12, 2021, 5:10 PM IST

  • દાદરા નગર હવેલીમાં ચાલે છે ફેરી બોટ સર્વિસ
  • મધુબન ડેમના પ્રવાહમાં ગામના લોકો કરે છે આવાગમન
  • એક કાંઠેથી બીજે કાંઠે જવા બોટ સર્વિસ અનિવાર્ય

સેલવાસ : દાદરા નગર હવેલીમાં આવેલ દમણગંગા જળાશયના મધુબન ડેમના બંને કાંઠે દૂધની અને કાઉંચા જેવા ગામ આવેલા છે. આ ગામના લોકોએ તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા, આરોગ્યની સેવા મેળવવા, રોજગારી મેળવવા તેમજ બાળકોએ અભ્યાસ માટે ડેમના પાણીના પ્રવાહને પાર કરી સરકાર દ્વારા ચાલતી ફેરી બોટ સેવાનો લાભ લેવો અનિવાર્ય છે. એટલે, આ સેવામાં વધારો કરવાની હાલના સંજોગોમાં તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

ઘેઘુર વનરાજી, ઊંચા પહાડો અને ખળખળ વહેતી નદીનો પ્રવાહ આંખોને ઠંડક આપતો આ કુદરતી નજારો દાદરા નગર હવેલીના કાઉચા અને દૂધની ગામનો છે. 491 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલ દાદરા નગર હવેલી આમ તો આદિવાસી મલક ગણાય છે. આજના આધુનિક યુગમાં અહીંના આદિવાસીઓનું જીવન ધોરણ જરૂર બદલાયું છે. પરંતુ દૂધની કાઉંચા ગામમાં રહેતા લોકો માટે આઝાદીના સમયથી એક બદલાવ નથી આવ્યો. અહીંના લોકોએ આજે પણ નદીના પ્રવાહને ફેરી બોટ સર્વિસ મારફતે પાર કરી બીજા કાંઠાના ગામમાં જવું પડે છે. જે સુવિધા હવે લોકોની અને વાહનોની સંખ્યા વધતા ટૂંકી પડી રહી છે.

આ પણ વાંચોઃપહાડોની રાણી મસૂરીનો અદ્દભૂત નજારો

પ્રશાસન સમક્ષ વધુ બોટ ફાળવવા લેખિતમાં રજુઆત કરી છે

ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે, દમણગંગા જળાશયના મધુબન ડેમના પાણીના પ્રવાહના બને કાંઠે દાદરા નગર હવેલી અને ગુજરાતના ગામડાઓ આવેલા છે. જ્યાના લોકોના પ્રવેશ માટે સરકારે અહીં ફેરીબોટ સર્વિસ પુરી પાડી છે. જેમાં એક બોટ લોકોને એક કાંઠેથી બીજા કાંઠે લઈ જાય છે. જ્યારે બીજી બોટમાં બાઇક-રીક્ષા-કાર જેવા વાહનોને લાવે છે લઈ જાય છે. જો કે આ સુવિધા દર એક કલાકે એક ફેરીની છે. જ્યારે અહીં દિવસે ને દિવસે મુસાફરો અને તેમના વાહનોમાં વધારો થતો હોય એ સુવિધા હવે ઓછી પડી રહી છે. આ અંગે પ્રશાસન સમક્ષ વધુ બોટ ફાળવવા લેખિતમાં રજુઆત કરી છે. પરંતુ પરિણામ શૂન્ય છે.

દાદરા નગર હવેલીમાં કાઉંચા-દૂધની વચ્ચે ફેરી બોટ સર્વિસમાં વધારો કરવાની માંગ

વિદ્યાર્થીઓએ પણ દરરોજ આ ફેરી સર્વિસ બોટમાં જ શાળાએ જવું પડે છે

મધુબન ડેમના જળાશયમાં ચાલતી આ ફેરી બોટ સર્વિસનો ઉપયોગ કાઉંચા ગામના લોકો સામે કાંઠે આવેલા દૂધની, ખાનવેલ, સેલવાસમાં રોજગારી મેળવવા, આરોગ્યની સુવિધાઓ મેળવવા ઘરની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા ઉપયોગ કરે છે. તો હાઈસ્કૂલ સહિતની શાળાઓ પણ સામે કાંઠે હોય વિદ્યાર્થીઓને પણ દરરોજ આ ફેરી સર્વિસ બોટમાં જ શાળાએ જવું પડે છે.

ભાજપે કાઉંચા ગામના મહેશ ગાંવિતને ચૂંટણીની ટીકીટ આપી

હાલમાં દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં કાઉચા ગામના ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતને ભાજપે ટીકીટ આપી છે. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ છેવાડાના ગામના મુદ્દાને હોટ ફેવરિટ માને છે. પરંતુ સુવિધાઓ માટે સરકાર સિવાય કોઈ રાજકીય આગેવાન કે પક્ષને કોઈ રસ નથી.

આ પણ વાંચોઃનિયમિત કસરતથી કુદરતી કારણોસર મૃત્યુનો ભય ઓછો કરી શકે છે: અભ્યાસ

બ્રિજ બન્યા બાદ આ ગામો વચ્ચે પહેલો સડક માર્ગ બનશે

ઉલ્લેખનીય છે કે અહીંથી મહારાષ્ટ્રનો નાસિક રોડ નજીક પડતો હોય શોર્ટકટ માટે પણ વાહનચાલકો આ ફેરી સર્વિસ બોટનો ઉપયોગ કરે છે. ઘેઘુર વનરાજી અને કુદરતી સૌંદર્યને માણવા અહીં ગુજરાતના સુરત-અમદાવાદના પ્રવાસીઓ પણ આવતા હોય દિવસોને દિવસ ફેરી સર્વિસ બોટમાં વાહનો લઈ જવામાં અનેક આપદાઓ ઉભી થઇ રહી છે. જો કે પ્રશાસને નદીના પ્રવાહ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી છે. જે હાલ અધૂરી છે. આગામી દિવસોમાં આ બ્રિજ બન્યા બાદ આ ગામો વચ્ચે પહેલો સડક માર્ગ બનશે. એટલે ત્યાં સુધી તો આ ફરી બોટ સર્વિસનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.

ABOUT THE AUTHOR

...view details