કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધરતીપુત્રોએ આ વખતે 13 થી 18 જૂન વચ્ચે વરસેલા વરસાદી ઝાપટા બાદ વાવણીનો શુભારંભ કર્યો છે. પરંતુ, હવે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પંથકમાં વરસાદી આગમન અને વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા હતાં. અને પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરી ધરતી માતાનું પૂજન કરી હળ, હારવેસ્ટર જેવા આધુનિક ખેતી ઓજારો સાથે વાવણીનો શુભારંભ કર્યો હતો. વાવણીની શરૂઆત કર્યા બાદ છેલ્લા પાંચ દિવસથી વરુણદેવે વિરામ રાખ્યો છે. દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્યાન 2200 mm થી 2400 mm વરસાદ વરસે છે. આ વરસાદમાં મુખ્યત્વે ડાંગર (ભાત)ની ખેતી કરવામાં આવે છે.
દાદરા નગર હવેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા - Gujarat
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક સપ્તાહ દરમ્યાન એકાદ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. પરંતુ, હવે વરસાદ ખેંચાતા વાવણી ફેલ જવાની બીકે ચિંતાતુર બન્યા છે. 491 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા દાદરા નગર હવેલીમાં સામાન્ય રીતે જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં વરસાદ વરસતો હોય છે. પ્રદેશના કુલ ક્ષેત્રફળમાં 80 ટકા જેટલો વિસ્તાર ખેતી આધારિત છે. ખેડૂતો ડાંગર અને કઠોળની ખેતી માટે વાવણીની શરૂઆત કરે છે.
એ ઉપરાંત ચોમાસુ ખેતીમાં નાગલી, તુવર અને વાલની ખેતી કરવામાં આવે છે. જે માટે ખેડૂતોએ ધરૂવાડિયા તૈયાર કર્યા છે. પરંતુ, હવે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અને આગામી બે ત્રણ દિવસમાં વરુણદેવ આ વિસ્તારમાં પોતાના મંડાણ કરે તેવી કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. દાદરા નગર હવેલીમાં મોટાભાગનો ખેતી વિસ્તાર ચોમાસુ વરસાદ આધારિત છે. હાલમાં આ વિસ્તારમાં 22મી જુન સુધીમાં માત્ર એક ઇંચ થી દોઢ ઇંચ વરસાદ જ વરસ્યો છે. ત્યારે, વાવણી બાદ સુકાઈ રહેલા ધાન પર વરુણદેવ પોતાનું વહાલ વરસાવે તેવી આસ ધરતીપુત્રો સેવી રહ્યાં છે.