- દાદરા નગર હવેલીમાં ભાજપે મહેશ ગાવિતને ટીકીટ આપી
- મહેશ ગાવીતે લોકસભાની પેટા ચૂંટણીમાં વિજયી બનવાની આશા વ્યક્ત કરી
- IRBN માં PI અને જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે મહેશ ગાંવિત
સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી પેટા ચૂંટણીના ઉમેદવાર માટે ભાજપે મહેશ ગાંવિત નામના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ઉમેદવાર તરીકે મહેશ ગાવીતની પસંદગી થતા ભાજપ કાર્યાલય પર દાદરા નગર હવેલી અને દમણ-દિવના અધ્યક્ષ, પ્રભારી, સહપ્રભારી સહિત કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી. આ ચૂંટણીમાં ગમે તેટલા પડકારો આવશે અમે વિજયી બનીશું તેવું આહવાન ટીકીટ મેળવનાર મહેશ ગાવીતે કર્યું હતું.
30મી ઓક્ટોબરે મતદાન યોજાશે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગત લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવનાર મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી લોકસભા બેઠક પર આગામી 30મી ઓક્ટોબરે મતદાન થવાનું છે. જે અંગે ઉમેદવારી ફોર્મ ભરવાના 7માં દિવસે અને નવરાત્રીના પ્રથમ નોરતે ભાજપે પોતાના તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે આ પેટા ચૂંટણીમાં મહેશ ગાંવિતને ટીકીટ આપી છે. જે બાદ સેલવાસમાં ભાજપ કાર્યાલય ખાતે મહેશ ગાવિતને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેમાં મહેશ ગાવીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા, અમિત શાહ અને દાદરા નગર હવેલીના પ્રભારી, અધ્યક્ષ, કાર્યકરોનો આભાર માની આ ચૂંટણીમાં સંગઠનને સાથે રાખી જંગી બહુમતથી જીત મેળવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી લડવા માટે માનસિક રીતે તૈયાર છે : મહેશ ગાંવિત
પેટા ચૂંટણીના ઉમેદવાર મહેશ ગાવીતે જણાવ્યું હતું કે, તે એક સિપાઈ છે અને આ ચૂંટણી લડવા માટે માનસિક રીતે તૈયાર છે. ગમે તેવા પડકારો આવશે તે પડકારોનો સામનો કરશે તે એક ગ્રામિણ ક્ષેત્ર એવા કૌચા ગામમાંથી આવે છે, અને પ્રદેશની પરિસ્થિતિ સિસ્ટમમાં રહીને અને સિસ્ટમ બહાર રહીને પણ જોઈ છે. આ ચૂંટણી અંગે તે પૂરતું ચિંતન મનન કરશે તેમનું એક જ લક્ષ્ય છે સંગઠનને આગળ લઈ જવું અને આ પેટાચૂંટણીમાં જંગી બહુમતથી ભાજપને વિજય અપાવવો.
ભાજપની સરકારે કરેલો વિકાસ એજ ચૂંટણી મુદ્દો રહેશે.
મહેશ ગાવીતે વધુમાં જણાવ્યું હતું કે, અમારી રાજનીતિ વિકાસની રાજનીતિ છે. છેવાડાના માનવી સુધી દરેક બુનિયાદી સુવિધાઓ પહોંચે તે માટે આ ચૂંટણી લડી રહ્યો છું. આ ચૂંટણીમાં અમારો મહત્વનો મુદ્દો વિકાસનો છે. ગરીબોને અન્ન મળે, રસ્તા લાઈટ પાણી મળે તેના પર અમારૂ ફોકસ છે. આ લડાઈ વિકાસની છે. આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વિકાસના કામો થયા છે. સેલવાસમાં રીંગરોડ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, ગ્રામ્ય વિસ્તારમાં ગરીબો માટે આવાસ, કોવિડમાં મફત વેક્સિનેશન જેવા અનેક મુદ્દાઓ આ ચૂંટણીમાં અમે જનતા સમક્ષ લઈને જઈશું.