દાદરા/નરોલી ચેકપોસ્ટ : ગુજરાતના અને વિશ્વમાં 1300 મંદિરો, 700 જેટલી હોસ્પિટલ, હોસ્ટેલ, શાળા કોલેજ બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે, "લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે છે, અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે". પ્રમુખ સ્વામી મહારાજના આ શબ્દો આજે કોરોના મહામારીમાં દાદરા નગર હવેલી માટે યથાર્થ ઠરી રહ્યા છે. વર્ષોથી પોતાના વતનને છોડી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને દેશમાં પ્રગતિના શિખરે લઈ જનાર હજારો પરપ્રાંતિયોને આ પ્રદેશના પ્રશાસનની માનવતાને નેવે મુકેલી કડકાઈએ રોડ પર રહેવા મજબૂર કરી છે.
કોરોના મહામારીમાં દાદરા નગર હવેલીના પ્રવેશદ્વારે માનવતા મરી રહી કોરોનાએ જાણે માત્ર દાદરા નગર હવેલીને જ પોતાના ભરડામાં લીધું હોય તેવો ચોકી પહેરો અહીંનું પ્રશાસન કરી રહ્યું છે. એક તરફ દેશના વડાપ્રધાન, અને વિશ્વના પ્રખર મહાનુભાવો આ મહામારીમાં લોકોને મદદરૂપ થવાનું આહવાન કરી રહ્યા છે. કોરોનાએ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે. તેમ છતાં માનવતાને મારી નથી. પરંતુ આ પ્રદેશમાં જાણે માનવતા મરી પરવારી હોય તેવા આ દ્રશ્યો છે. ઉદ્યોગો માં માલસામાન લઈને જતા વાહનોને કર્મચારીઓને માત્ર E-પાસ અને થર્મલ ગન વડે ચેક કરીને જવા દેવાય છે. પરંતુ તે સિવાય આવેલા લોકોને પ્રવેશ દ્વાર પર જ અટકાવી જાણે તેઓને કોરોના હોય તેવું માની પ્રવેશ આપવામાં આવતો નથી. કોરોના મહામારીમાં દાદરા નગર હવેલીના પ્રવેશદ્વારે માનવતા મરી રહી કોઈના દીકરા તેમની રાહ જુએ છે. કોઈના માતાપિતા તેમના દિકરાઓની રાહ જુએ છે. કંઈ કેટલાય પરિવારો બે ટંકનું ભોજન મેળવવા કાકલૂદી કરે છે. નાના બાળકો માતાપિતાની વેદના અને તેમાં છુપાયેલ લાચારીનો અનુભવ કરી રહ્યા છે. આ બધું માત્ર ને માત્ર દાદરા નગર હવેલીના પ્રવેશદ્વાર પર જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રમુખ સ્વામીના "લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે છે....અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે" એ શબ્દો ચરિતાર્થ થતા જોઈ શકાય છે. કેમ કે, પ્રશાસનમાં સારી ડીગ્રી મેળવીને કે, સારું શિક્ષણ મેળવ્યા બાદ જ નોકરી મળે છે. આ એ જ એજ્યુકેટેડ સોસાયટીના અધિકારીઓ કોરોના મહામારીમાં માનવતા નેવે મૂકી રહ્યા છે. જો પ્રદેશને સાચા અર્થમાં કોરોના મુક્ત રાખવો હોય, સમાજને, માનવ સભ્યતાને બચાવવી જ હોય તો પહેલા આ નહિ ઘરના કે નહિ ઘાટના બનેલા પરિવારોને બચાવવા જરૂરી છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, માણસ જન્મથી અપરાધી નથી હોતો, સમાજ તેને અપરાધ કરવા મજબુર કરે છે એટલે એ અપરાધી બને છે. કદાચ આ કોરોના મહામારીમાં પોતાના માતાપિતા સાથે રઝળી રહેલા આ માસુમોને સંઘપ્રદેશ પ્રશાસન એ તરફ ધકેલીને રહે તો નવાઈ નહીં.